- હોટલ મેનેજમેન્ટ કોલેજમાં સ્થાનિક યુવાનોને 20 ટકા આરક્ષણ આપવાની કરાયેલી ઘોષણા
- સમગ્ર પ્રદેશમાં આનંદ ઉત્સાહ અને ઉમંગથી થઈ રહેલી શાળા પ્રવેશોત્સવની ઉજવણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.14 : સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આયોજીત શાળા પ્રવેશોત્સવ મહોત્સવ અંતર્ગત પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે દમણની ચંદ્રશેખર આઝાદ ઉચ્ચ પ્રાથમિક વિદ્યાલય રીંગણવાડા ખાતે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી પહેલાં ધોરણમાં પ્રવેશ લઈ રહેલાવિદ્યાર્થીઓનો આદર સત્કાર કર્યો હતો.
સંઘપ્રદેશના પ્રદેશ સ્તરીય આયોજીત શાળા પ્રવેશોત્સવ મહોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાના બાળપણના દિવસોને યાદ કરતા જણાવ્યું હતું કે, પહેલાં બાળકોને સ્કૂલ લઈ જવા માટે ખુબ મહેનત કરવી પડતી હતી. પરંતુ હવે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા બાળકો હસતાં રમતાં શાળા પહોંચે એવા બનાવેલા માહોલથી બાળકોના વિચારમાં પણ પરિવર્તન આવ્યું છે. કોઈએ કલ્પના પણ નહીં કરી હશે કે, બાળક સ્કૂલમાં જશે ત્યારે તેમની શોભાયાત્રા નિકળશે, તિલક લગાવશે, પુષ્પથી સ્વાગત કરાવશે અને મીઠાઈથી મોઢું મીઠું કરાવશે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની 117 સરકારી શાળાઓમાં પહેલાં ધોરણમાં 5382થી વધુ બાળકોએ લીધેલા પ્રવેશ બદલ પ્રશાસકશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા. આ વર્ષે પ્રદેશના ત્રણેય જિલ્લામાં 3898 બાળકો પ્રાથમિક ધોરણમાં અને 3084 બાળકોએ આંગણવાડીમાં પ્રવેશ લીધો છે. પ્રશાસકશ્રીએ શાળા પ્રારંભ થયાના પહેલાં જ દિવસે બાળકોને સ્કૂલમાં પ્રવેશ અપાવવા માટે મહત્વપૂર્ણ રહેલી શિક્ષકોની ભૂમિકાની સરાહના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પહેલાં ખાનગી સ્કૂલોમાં વધુ બાળકો અભ્યાસ કરતા હતા અને સરકારી શાળાઓમાં ઓછા બાળકો રહેતાહતા. પરંતુ છેલ્લા છ વર્ષમાં તેમાં પણ છેલ્લાં 3 વર્ષમાં ખાનગી સ્કૂલોમાંથી સરકારી સ્કૂલોમાં અભ્યાસ માટે આવતા બાળકોની રિવર્સ માઈગ્રેશન 26 ટકા થયું છે જેની કોઈ કલ્પના પણ નહીં કરી શકે. જે આપણાં પ્રદેશના શિક્ષકોના પ્રયાસથી સંભવ બન્યું છે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ખુશી પ્રગટ કરતા જણાવ્યું હતું કે, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં 300 કરોડથી વધુના ખર્ચે પ્રદેશમાં 22 નવી શાળાઓનું નિર્માણ થયું છે અને આવતા દિવસોમાં હજુ કેટલીક શાળાઓ આધુનિક સુવિધાઓથી સજ્જ થશે. તેમણે જણાવ્યું હતું કે, પ્રદેશમાં મેડિકલ, એન્જિનિયરીંગ, નર્સિંગ, લો કોલેજ સહિત દરેક પ્રકારનું ઉચ્ચ શિક્ષણ ઉપલબ્ધ છે. હોટલ મેનેજમેન્ટ કોલેજમાં પણ સ્થાનિક યુવાનોને 20 ટકા આરક્ષણ આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, અદ્યતન સુવિધાઓથી સજ્જ થવાની સાથે સાથે શાળામાં અભ્યાસ કરવા બાળકો માટે યોગ્ય વાતાવરણનું પણ નિર્માણ કરાયું છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં લગાતાર છેલ્લા 6 વર્ષથી પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. જેના કારણે સરકારી શાળાઓમાં બાળકોની હાજરીની ટકાવારી પણ લગાતાર વધી રહી છે અને ડ્રોપ આઉટનું પ્રમાણ પણ ઘટયું છે.
પ્રારંભમાં સંઘપ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે દીપ પ્રજ્જવલિત કરી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. શાળાના બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આંગણવાડીના વિદ્યાર્થીઓની મુલાકાત કરી તેમને એજ્યુકેશન કિટ પ્રદાન કરી હતી. તેજસ્વી વિદ્યાર્થીઓને પણ વિશેષ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી રીનાબેન પટેલ અને શ્રીમતી વર્ષિકાબેન પટેલ, સોમનાથના સરપંચ શ્રીમતી ચૈતાલીબેન પટેલ, ઉપ સરપંચ શ્રી રાજેશભાઈ પટેલ, શિક્ષણ સચિવ શ્રી અરૂણ ટી., દાનહના કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભા, એસ.પી. શ્રી અમિત શર્મા સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને શાળાના બાળકો તથા પહેલાં ધોરણમાં પ્રવેશ લઈ રહેલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.