ધડોઈ ફાટક પાસે અને પારડી સાંઢપોરમાં રખડતા ઢોરોના આતંકથી લોકોના જીવ તાળવે ચોંટયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.23: વલસાડ, વાપી સહિત વલસાડ જિલ્લામાં રખડતા ઢોરોની સમસ્યા માજા મુકી રહી છે. તેમ છતાં વહીવટી તંત્ર આ સમસ્યા અંગે સતત નિરસતા દાખવતા જોવા મળી રહેલ છે. વલસાડ શહેરમાં ગુરૂવારે સાંજના બે-બે અલગ સ્થળોએ રખડતા ઢોર, આખલાઓ વચ્ચે ખુલ્લેઆમ યુધ્ધ સર્જાતા રાહદારી અને વાહન ચાલકો ભયભીત બની ગયા હતા.
વલસાડમાં ગતરોજ સાંજે ધડોઈ ફાટક પાસે એક વૃધ્ધ ચાલી રહ્યા હતા ત્યાં ઝઘડામાં બે આખલા પૈકી એક આખલાએ વૃધ્ધને સીંગડે ભેળવી સીધા હવામાં ફંગોળ્યા હતા. વૃધ્ધ પટકાતા ઘાયલ થયા હતા. સ્થાનિકોએ વૃધ્ધને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. તો બીજી ઘટના પારડી સાંઢપોર વિસ્તારમાં ઘટી હતી. અહીં બે આખલા વચ્ચે યુધ્ધ થયું હતું. ઝઘડા આખલાઓએ રસ્તા વચ્ચે એક જ દિવસે રખડતા ઢોરોએ સર્જેલી તારાજીથી લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું. વધુ ગંભીર બાબત તો એ છે કે આ સમસ્યાને પાલિકા અને વહીવટી તંત્ર સરેઆમ નજર અંદાજ કરી રહેલ છે.