ઉર્વશીબેન પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘કુપોષણમુક્ત ભારત’ અભિયાનમાં ફાળો આપવા લીધેલી નૈતિક જવાબદારી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : દેશના યશસ્વી વડાપ્રધાન અને અને વિશ્વના અતિ લોકપ્રિય નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે દમણની આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ અને યુવા સમાજસેવી શ્રી ઉર્વશીબેન જયેશભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘કુપોષણ મુક્ત ભારત’ અભિયાનના આહ્વાને સાર્થક કરવા દમણ જિલ્લાના 6 કુપોષિત બાળકોને દત્તક લઈ તેમને કુપોષણ મુક્ત કરવાનીજવાબદારી પોતાને શિરે લેવાનું નેત્રદીપક કાર્ય કર્યું છે.
આજે આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે આ 6 કુપોષિત બાળકોને દત્તક લીધા હતા અને તેમને ખવડાવવા માટે તેમના માતાઓને પૌષ્ટિક ખોરાકની કિટ આપી હતી. જેમાં 2 બાળકોની માતાઓને પૌષ્ટિક ખોરાક ઘરે પહોંચાડવામાં આવ્યો હતો. શ્રીમતી ઉર્વશીબેન પટેલે બાળકોને કુપોષણ મુક્ત બનાવવા માતાઓને આરોગ્ય માટે લેવાની કાળજી અંગેની માહિતી પણ આપી.
શ્રીમતી ઉર્વશીબેન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ તેમના ‘મન કી બાત’ કાર્યક્રમમાં ‘કુપોષણમુક્ત ભારત’નો સંકલ્પ કર્યો હતો અને તેમના આ સંકલ્પને સાર્થક કરવાના હેતુથી કુપોષિત બાળકોને દત્તક લઈ તેમને કુપોષણમુક્ત કરવાની જવાબદારી ઉપાડી છે.