વિશ્વભરના આંગળીના વેઢે ગણાય એટલા દિગ્ગજો
ભોજન સમારોહમાં સામેલ હતા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.25: બે દિવસ પહેલાં વડા પ્રધાન અમેરીકાના પ્રવાસે હતા ત્યારે અમેરીકાના વ્હાઈટ હાઉસમાં ખાસ ખાસ દિગ્ગજો માટે ભોજન સમારોહ યોજાયો હતો. આ ભોજન સમારોહમાં પ્રેસિડેન્ટ બાઈડન-વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચંદ ખાસ ખાસ દિગ્ગજોને ભોજન સમારંભમાં આમંત્રણ પાઠવાયા હતા. જેમાં વાપી-ટુકવાડાના અનાવિલ દંપતિને પણ આમંત્રણ મળ્યું હતું.
વાપી સહિત વલસાડ જિલ્લા માટે ગૌરવ સમાન બાબત છે. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરીકાના પ્રવાસમાં હતા ત્યારે વ્હાઈટ હાઉસ (પ્રેસિડેન્ટ કાર્યાલય અને નિવાસ) દ્વારા ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંગળીને વેઢે ગણી શકાયતેવી વસ્તીઓને નિમંત્રણ પાઠવાયું હતું. જેમાં ગૌરવ સમાન લેખાવી શકાય એવી નોંધપાત્ર હકીકત એ ઉજાગર થઈ છે કે ટુકવાડા(વાપી)ના ભગવાનીયા તરીકે જાણીતા પરિવારના સભ્ય રોનક ધનસુખભાઈ દેસાઈ અને તેમના ધર્મપત્ની બંસરી દેસાઈ કે જેઓ વર્ષોથી અમેરીકા સ્થાયી છે. તેઓ નેશનલ લો એટર્ની તરીકે ડી.સી. રાઈઝીંગ સ્ટાર્સ તરીકે માન્યતા મળી છે. તેવા ભાગ્યશાળી અનાવિલ દંપતિ વ્હાઈટ હાઉસમાં વડા પ્રધાન મોદી અને પ્રેસિડેન્ટ બાઈડન સાથે ભોજન સમારોહમાં સામેલ થયા હતા.