વાંકી નદી પુલ પર કાર ટ્રક ભટકાયા, ખડકી હાઈવેપર કારના બે ટાયર ફાટયા, સુગર બ્રિજ ખાડામાં પટકાઈ ટ્રક સાથે અથડાઈ ધસડાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.29: વલસાડ જિલ્લામાં ચોમાસાના પ્રારંભે જ નેશનલ હાઈવેએ જવાબ આપી દીધો છે. હાઈવે ઉપર પડેલા ખાડાઓ અને પાણી ભરાવના લીધે છેલ્લા 24 કલાકમાં અકસ્માતના ત્રણ બનાવો વલસાડથી વાપી વચ્ચે હાઈવે ઉપર બન્યા છે.
ત્રણ દિવસથી સતત વરસાદ વલસાડ જિલ્લાને ઘમરોળી રહ્યો છે. તેની આડ અસર અને ખાનાની ખરાબીની ભેટ ચોમેર મળી રહી છે. તેમાં નેશનલ હાઈવેએ જવાબ આપી દીધો છે. ઠેર ઠેર બેસુમાર ખાડા પડી જતા હાઈવે યમદૂત બની જવા જેવી સ્થિતિ સર્જાઈ છે. ખડકી હાઈવે ઉપર પડેલા તોતિંગ ખાડામાં કાર પટકાતા બે ટાયર ફાટી જતા અકસ્માત સર્જાયો હતો, તો બીજો બનાવ વાંકી નદી પુલ ઉપર હાઈવે ખાડાને લીધે કાર અને ટ્રક ભટકાયા હતા. કાર નં.એમએચ 43 એટી 4375 લઈ રીતેશ જોષી ઉદવાડા આવી રહ્યો હતો ત્યારે ખાડામાં કાર કન્ટેનર નં.એચઆર 55 એજે 6703 સાથે ભટકાતા ગંભીર અકસ્માત થયો હતો. એર બેગ ખુલી જતા ચાલક રીતેશ જોષીનો ચમત્કારીક બચાવ થયો હતો. ત્રીજો બનાવ વલસાડ સુગર મિલ ઓવરબ્રિજ હાઈવે ઉપર પાણી ભરાવાને લઈ કાર પટકાતા ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ટ્રક સાથે ભટકાઈ કાર 100 મીટર ધસડાઈ હતી. જો કે ચાલકનોબચાવો થયો હતો. ત્રણેય અકસ્માતો હાઈવે ઉપર પડેલા ખાડાઓને લીધે બન્યા હતા. હાઈવે ઓથોરિટી હજુ પણ ગાઢ નિંદ્રામાં છે. વધુ અકસ્માતની રાહ જોઈ રહી છે.