(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.29 : કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ જિલ્લાના માછીમારો છેલ્લાં ઘણાં વર્ષોથી પાકિસ્તાનની જેલોમાં બંધ છે, જેને છોડાવવા દીવ જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત તથા માછીમારોના પરિવારજનોએ જિલ્લા કલેક્ટરશ્રીને કરી રજૂઆત કરી હતી.
પાકિસ્તાનની જેલોમાં બંધ માછીમારોના પરિવારોએ દીવ જિલ્લા કલેક્ટરશ્રી રાહુલ દેવ બુરાને મળીને માંગ કરી હતીકે, પાકિસ્તાન જેલમાંથી બંધ અમારા સબંધી માછીમારોની કોઈ પણ ભાળ મળતી નથી, અને જાણવા મળ્યું છે કે ત્યાં અમારા પરિવારજનો ખૂબજ બિમાર છે અને હમણાં થોડા સમય પહેલા ગુજરાતના માછીમારો પાકિસ્તાન જેલમાં મૃત્યુ પણ પામ્યા હતા, જેથી પરિવારજનોમાં ખૂબજ ચિંતા છવાઈ છે, તો પાકિસ્તાન જેલમાં બંધક તેમના પરિવાર જલ્દીથી છૂટી અને માદરે વતન પહોંચે તેવી વિનંતી કરી હતી.
દરમિયાન દીવ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રામજી ભીખા બામણીયા, ઉપ પ્રમુખ શ્રી હરેશ પાચા કાપડિયા, શહિદ ભગતસિંહ ગ્રામ પંચાયતના સરપંચો શ્રીમતી દમયંતીબેન, સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી કાન્તાબેન તથા સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર રાહુલ દેવ બુરાએ માંગણી પ્રમાણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની બાહેંધરી આપી હતી.