સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દાનહ અને દમણ-દીવને 2023ના અંત સુધી ટી.બી.મુક્ત કરવા શરૂ કરેલા અભિયાનનું પરિણામ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : ટી.બી. ઉન્મૂલનની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ અને કરાયેલા સર્વશ્રેષ્ઠ કાર્યો માટે કેન્દ્ર શાસિત પ્રદેશોની શ્રેણીમાં ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવને પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. જેનો શ્રેય સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ટી.બી. વિભાગ દ્વારા કરાયેલા કડક અને સક્રિય પ્રયાસોના ફાળે જાય છે. જેના કારણે પ્રદેશમાં ટી.બી. રોગીઓની સંખ્યામાં લગાતાર કમી આવી રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના ત્રણેય જિલ્લામાં આયુષ્માન ભારત- હેલ્થ વેલનેસ સેન્ટર આધિન આવતા વિસ્તારોમાં કમજોર વ્યક્તિઓની ઓળખ, ટી.બી. સ્ક્રિનિંગનું કાર્યાન્વયન, સંપર્ક ટ્રેસિંગ અને ટી.બી.નો ઉપચાર કરતા લોકો માટે વિવિધ જાહેરઆરોગ્યના ઉપાયો સહિત અનેક ગતિવિધિઓ શરૂ કરવામાં આવી હતી.
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વિવિધ માપદંડોના આધાર ઉપર દેશભરમાં કરાયેલા આ અભિયાનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને એક વિશેષ રિપોર્ટ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકલવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવને કેન્દ્ર શાસિત પ્રદેશોની શ્રેણીમાં સર્વ પ્રથમ ઘોષિત કરવામાં આવ્યો છે. તદ્ઉપરાંત મૂલ્યાંકનમાં સૌથી વધુ ગુણ લાવી તમામ રાજ્યો અને પ્રદેશની સૂચિમાં પણ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ટોચ ઉપર છે.
અત્રે યાદ રહે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વિશ્વ ટી.બી. દિવસ’ 2023માં ‘ટી.બી.મુક્ત પંચાયત’ પહેલ શરૂ કરી છે. પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પને પૂર્ણ કરવા માટે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દાદરા નગર હવેલી અને દમણ-દીવને 2023ના અંત સુધી ટી.બી.મુક્ત બનાવવા અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત પ્રદેશના દરેક ગામ અને પંચાયતોમાં ગ્રામસભા કરી જાગૃતિ પેદા કરવામાં આવી રહી છે અને ટી.બી.નું પરિક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે આવતા દિવસોમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ સંપૂર્ણ રીતે ટી.બી.મુક્ત બનીજશે.