લોકસભાની દાદરા નગર હવેલી બેઠકનો 2024 માટે લોકોનો મિજાજ કેવો છે તે બાબતની જાણકારી મેળવવા અમારી ટીમે નરોલી ગ્રામ પંચાયત વિસ્તારની મુલાકાત લઈ ત્યાંના અનેક નાના-મોટા તમામ વ્યક્તિઓ, વેપારીઓ તેમજ બુદ્ધિજીવીઓ અને રાજકારણીઓને મળી તેમના વિચારો જાણવાનો પ્રયાસ કર્યો હતો.
આ વખતે નરોલી ભાજપ મંડળના પ્રમુખ શ્રી યોગેશસિંહ સોલંકી અને નરોલી ગ્રામ પંચાયતમાં વિરોધ પક્ષમાં રહેલા શ્રી યજુવેન્દ્ર સોલંકી પાસેથી નરોલીનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો હતો.
શ્રી યોગેશસિંહ સોલંકી અને શ્રી યજુવેન્દ્ર સોલંકી સાથે થયેલ વાતચીતના અંશો અત્રે પ્રસ્તુત છે.
દાનહની 20 પંચાયતોમાં નરોલી સૌથી આગળ રહી લોકસભા ચૂંટણીમાં કમળ સોળે કળાએ ખિલવશેઃ યોગેશસિંહ સોલંકી
પ્રશ્ન 1: નરોલી ગ્રામ પંચાયત વિશે તમે શું કહેવા માંગો છો?
ઉત્તરઃ નરોલી ગ્રામ પંચાયતમાં 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપને બહુમતિ મળી હતી. ત્યારબાદ 2021ની પેટા ચૂંટણીમાં કેટલાક કારણોના કારણે વોટ ઓછા મળ્યા હતા. પરંતુ એમ ચોક્કસ કહી શકાય કે નરોલીની જનતાખુબ જ ચતુર છે અને સમજી-વિચારીને મતદાન કરે છે. મોટાભાગે શિક્ષિત સમુદાય હોવાથી અહીંની હંમેશા વિકાસના મુદ્દાને ધ્યાનમાં લેવામાં આવે છે.
પ્રશ્ન 2: નરોલી ગ્રામ પંચાયતમાં થયેલા વિકાસની બાબતમાં તમારો શું અભિપ્રાય છે?
ઉત્તરઃ દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સીધી નજર દાનહ ઉપર છે એ જ રીતે વિકાસ પુરૂષ શ્રી પ્રફુલભાઈ પટેલ સાહેબની સીધી નજર અમારી નરોલી ગ્રામ પંચાયત ઉપર પણ છે એમ કહી શકાય.
આજે નરોલી પંચાયતમાં સૌથી મોટી અદ્યતન પ્રાથમિક શાળા, પંચાયત ઘરનું નિર્માણ થઈ રહ્યું છે, ધાપસા ટર્ન સીધો કરી રોડ વ્યવસ્થા મજબૂત કરવામાં આવી રહી છે. ઉચ્ચતર માધ્યમિક શાળાના નવનિર્માણ ઉપર પણ ચર્ચા ચાલુ છે. ચેકપોસ્ટનો પ્રવેશ દ્વાર, હોસ્પિટલ નવીનિકરણ ખુબ ટૂંક સમયમાં ચાલુ થનાર છે. નરોલી ચાર રસ્તાથી અંકલાસ બોર્ડર અને અથાલથી ઝરોલી રોડનું નિર્માણ કાર્ય પણ ટૂંક સમયમાં ચાલુ થશે. પંચાયત વિસ્તારના અંદરના ગ્રામ્ય રસ્તાઓ લગભગ તમામ પાસ થઈ ગયા છે. ઈન્ડસ્ટ્રીઝ સાથે વાતચીત કરી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટોના રોડની નવીનિકરણ નીતિ પણ બની ગઈ છે.
અહીં નરોલી પંચાયત વિસ્તારમાં હાલમાં વિજળીની સમસ્યા ખુબ જ ગંભીર પ્રશ્ન બનીને ઉભી છે. પરંતુ ટૂંક સમયમાં જ એનું નિરાકરણ પણ થઈ જશે એવો વિશ્વાસ છે.
પ્રશ્ન 3: લોકસભા 2024ની ચૂંટણીમાં નરોલી પંચાયતની શું ભૂમિકા રહેશે?
ઉત્તરઃ નરોલી પંચાયત હંમેશા વિકાસની સાથે રહે છે એવો દાવા સાથે કહી શકું છું. પ્રશાસક પ્રફુલ પટેલ સાહેબને દાનહના ઇતિહાસમાં વિકાસ પુરૂષ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે દાનહની 20 પંચાયતોમાં નરોલી સૌથી આગળ રહી લોકસભા ચૂંટણીમાં કમળ સોળે કળાએ ખિલે એ માટે મહત્વની ભૂમિકા ભજવશે.
સરકારના નાણાં ખર્ચી અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી કોઈ ખાનગી સંસ્થાને ચલાવવા આપી દેવું એ કેટલું વાજબી કહી શકાય?: યજુવેન્દ્ર સોલંકી
પ્રશ્ન 1: નરોલી ગ્રામ પંચાયત વિશે તમે શું કહેવા માંગો છો?
ઉત્તરઃ નરોલીમાં વસતા લોકો ખુબ જ ભાવુક અને પ્રેમાળ છે. મતદાનની આખરી ક્ષણ સુધી લોકો કોઈને કળવા દેતા નથી. મત દ્વારા ક્રાંતિ લાવવાનું નરોલીના ગ્રામજનો માનતા આવ્યા છે અને હંમેશા ક્રાંતિની શરૂઆત નરોલીથી જ થઈ છે.
પ્રશ્ન 2: લોકસભાની 2024ની ચૂંટણી અંગે તમારૂં શું માનવું છે?
ઉત્તરઃ નરોલી પંચાયતમાં દરેક ઘરે શિક્ષિત લોકો છે. 2021માં યોજાયેલી લોકસભાની પેટા ચૂંટણીથી માંડી આગામી 2024ની લોકસભા ચૂંટણીના સમયગાળાને ખુબ જ ઝીણવટથી જોઈ રહ્યા છે અને ચૂંટણી આવવાનો ઈંતેજાર કરી રહ્યા છે.
પ્રશ્ન 3: નરોલી ગ્રામપંચાયતમાં થયેલા વિકાસની બાબતમાં તમારૂં શું માનવું છે?
ઉત્તરઃ વિકાસની વાત કરવામાં આવે તો આપ જાણો જ છો કે મોટાભાગના ગામના લોકોના ઘર રોડની આજુબાજુના વિસ્તારમાં આવેલા છે. રોડ પહોળા થવાથી વિકાસ થયો એમ તો કહી શકાય છે. પરંતુ જેમને પોતાના ઘર તોડવા પડયા કે હવે તૂટશે તો એમની પાસે પુરતુ જમીન પણ બચતી નથી. રોડ પહોળા થવાથી લોકોને જે નુકસાન થયું છે તેમાં તેમને ફરી બેઠા થઈ શકે તે પ્રકારની રાહત મળવી જોઈએ.
નરોલી ગામના અંદરના રસ્તાઓ છેલ્લા ત્રણ વર્ષથી ખુબ જ ખરાબ હાલતમાં છે. રોડના સમારકામ બાદ પહેલાં વરસાદમાં જ રોડનું ધોવાણ થઈ ગયું છે. નરોલી ગામથી પસાર થતાં રોડ વચ્ચે જ ઉચ્ચતર માધ્યમિક શાળા આવેલી છે. ચાર રસ્તા પડે છે. જ્યાં ભૂતકાળમાં અનેક ગમખ્વાર અકસ્માત થઈ ચુક્યા છે. છતાં આ રોડ પર વાહનોની સ્પીડને કન્ટ્રોલ કરવાનું કોઈ પ્રાવધાન નથી. વિજળીની પરેશાનીથી લોકો ત્રાહિમામ થઈ ચુક્યા છે.
સરકારી ભરતીમાં સ્થાનિકોને મળતી રાહત નિકળી જવાથી સ્થાનિક શિક્ષિત યુવાનો આજે ઘરે બેઠા છે. સરકારી ખર્ચે અદ્યતન શાળાનું નિર્માણ કરવું એ ખુબ જ આવકારદાયક કામ છે. પરંતુ સરકારના નાણાં ખર્ચી અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી કોઈ ખાનગી સંસ્થાને ચલાવવા આપી દેવું એ કેટલું વાજબી કહીશકાય? મારી દૃષ્ટિએ હજુ ઘણાં કોયડાઓ ઉકેલ માંગી રહ્યા છે અને આ ઉકેલ 2024ની ચૂંટણી ચોક્કસ આપશે.
પ્રશ્ન 4: લોકસભા 2024ની ચૂંટણીમાં નરોલી પંચાયતની ભૂમિકા શું રહેશે?
ઉત્તરઃ હવે 2024ની ચૂંટણી આડે ખુબ જ ઓછો સમય બાકી રહ્યો છે. સમસ્યાઓ ઘણી છે. નેતાઓ અહીંથી તહીંની રાજનીતિમાં વ્યસ્ત છે. મારી દૃષ્ટિએ 2021ની પેટા ચૂંટણીના પરિણામનું જ પુનરાવર્તન થવાની સંપૂર્ણ સંભાવના છે.
નિષ્કર્ષઃ નરોલી ગામના લોકોનો મિજાજ અને પ્રતિભાવો મિશ્ર રહ્યા છે. એક તરફ વિકાસને વધાવવામાં આવી રહ્યો છે તો બીજી તરફ વિદ્યુત વિભાગના થયેલા ખાનગીકરણ બાદ દિન-પ્રતિદિન વકરેલી લાઈટની સમસ્યા, સરકારી ભરતીમાં સ્થાનિકોને મળતી રાહતો નિકળવાથી યુવાનોમાં આક્રોશ પણ દેખાય છે. નરોલીમાં ભાજપ, કોંગ્રેસ અને શિવસેનાનું સંગઠન પણ ખુબ જ નબળુ છે. શિવસેનાના અદના કાર્યકરો એવું માને છે કે, તેમના નેતા સમય આવ્યે ક્યાં બેસે તેના ઉપર રણનીતિ નક્કી કરાશે.