જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની દ્વારા સરકારી શાળાના બાળકોની મૌખિક અભિવ્યક્તિ વિકસાવવા સ્તુત્ય પ્રયાસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૧૩: વલસાડ જિલ્લાની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોની મૌખિક અભિવ્યક્તિ વિકસાવવા જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીની પ્રેરણાથી સમગ્ર જિલ્લાની સરકારી શાળાઓમાં “બોલગા બચપન” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે કપરાડા તાલુકાના મનાલા કેન્દ્ર શાળામાં સી.આર.સી. મનાલા દ્વારા ક્લસ્ટર કક્ષાએ બોલગા બચપન કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ બાલવાટિકા, ધો. ૧-૨, ધો. ૩-૫ તેમજ ધો.૬-૮ એમ ચાર વિભાગમાં આયોજિત કરાયો હતો. જેમાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર મનાલા હસ્તક આવતી શાળાઓના ૩૫ બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમના ચારેય વિભાગોમાં પ્રથમ ત્રણ ક્રમાંકે આવનારા બાળકોને બુરલા તળાવ ફળિયા પ્રાથમિક શાળાના શિક્ષક નારણભાઈ જાદવ તરફથી રોકડ ઇનામ તેમજ “બોલેગા બચપન ટીમ મનાલા દ્વારા એકત્રિત ફંડમાંથી નોટ, કંપાસ, પેન્સિલ, રબર અને સંચો સાથેની શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.
ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ કેળવાય, ભવિષ્યમાં શ્રેષ્ઠ વક્તા તરીકે સમાજમાં નામના મેળવે એવા શુભ આશયથી ગત વર્ષે પણ આ પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા મનાલા ક્લસ્ટરના સી.આર.સી. કો-ઓર્ડીનેટર નિલોફર શેખ, મનાલા કેન્દ્ર શિક્ષક દિલીપભાઈ પટેલ, બુરલા તળાવ ફળિયા પ્રાથમિક શાળાના નારણભાઇ જાદવ, બિલોનીયા પ્રા. શાળાના સુનિલભાઈ પટેલ સહિત મનાલા ક્લસ્ટરની શાળાઓનો અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો હતો.