ઉપ રાષ્ટ્રપતિશ્રીના આમંત્રણ ઉપર દિલ્હી પ્રવાસ દરમિયાન પ્રશાસન દ્વારા રાખવામાં આવેલી કાળજી બદલ પ્રશાસકશ્રીનો પ્રગટ કરેલો આભાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.22 : દમણ જિલ્લાના સરપંચો અને જિલ્લા પંચાયતના સભ્યોએ આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને ઉપ રાષ્ટ્રપતિશ્રીના આમંત્રણ ઉપર દિલ્હી પ્રવાસ દરમિયાન પ્રશાસન દ્વારા રાખવામાં આવેલી કાળજી બદલ પ્રશાસકશ્રીનો આભાર પણ પ્રગટ કર્યો હતો.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ખુબ જ નિખાલસતાથી તમામ સરપંચો અને જિલ્લા પંચાયત સભ્યોને જણાવ્યું હતું કે, તમને કોઈ તકલીફ નહીં પડે તેની તકેદારી રાખવી એ અમારી ફરજનો ભાગ છે. એમાં અમે કોઈના ઉપર ઉપકાર નથી કર્યો. પરંતુ તમે પ્રશાસનનો આભાર પ્રગટ કરવા અહીં સુધી આવ્યા છો તે તમારી સૌજન્યતા અને વિવેક છે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ઔપચારિક વાતચીતમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતના અધ્યક્ષનો હોદ્દો રાજ્ય સ્તરના મંત્રી સમકક્ષ છે અને પંચાયતના સરપંચો પાસે વહીવટી સત્તાઓ છે. તેમણે પ્રદેશના વિકાસ માટેસાવધાન રહેવા પણ શિખામણ આપી હતી.
દમણ જિલ્લા પંચાયત તરફથી ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, ભીમપોરના જિ.પં. સભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, પટલારાના શ્રી મેહુલભાઈ પટેલ, સોમનાથ-બી ના શ્રીમતી વર્ષિકાબેન પટેલ, મગરવાડાના શ્રીમતી ગોદાવરીબેન પટેલ, દમણવાડાના શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ, સોમનાથ-એ ના શ્રીમતી રીનાબેન પટેલ, કડૈયાના શ્રીમતી મૈત્રીબેન પટેલ, દાભેલના શ્રીમતી સિમ્પલબેન પટેલ અને આંટિયાવાડના જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી સુનિતાબેન હળપતિનો સમાવેશ થતો હતો.
દમણ જિલ્લાના સરપંચોમાં કચીગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભરતભાઈ પટેલ, દમણવાડાના શ્રી મુકેશ ગોસાવી, ભીમપોરના શ્રી શાંતુભાઈ પટેલ, મરવડના ઉપ સરપંચ શ્રી સતિષભાઈ પટેલ, કડૈયાના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ, દુણેઠાના શ્રીમતી સવિતાબેન પટેલ, મગરવાડાના શ્રીમતી લખીબેન પેમા, વરકુંડના શ્રીમતી ચૈતાલીબેન કામલી અને સોમનાથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલનો સમાવેશ થતો હતો.