(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20 : દેશ સહિત વિદેશમાં પણ અગ્રણી સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાંની એક એવી બેંક ઓફ બરોડાએ આજે દાદરા નગર હવેલીમાં બેંક ઓફ બરોડાના વલસાડ વિભાગના એરિયા મેનેજર શ્રી શૈલેન્દ્ર કુમાર સિંહની ઉપસ્થિતિમાં આજે પોતાના 116મા સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. આજના સ્થાપના દિવસના અવસરે બેંકે પોતાના વિશ્વાસ અને ગ્રાહક કેન્દ્રિત બેંકિંગ પ્રથાઓની સ્થાયી વિરાસતને ઉજાગર કરી હતી. આજના અવસરે દમણમાં પણ બેંક ઓફ બરોડાની વિવિધ શાખાઓ દ્વારા તેના સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. 1908માં પોતાની સ્થાપના બાદ બેંક ઓફ બરોડા વિશ્વસનીયતા અને પ્રગતિના પ્રતિક રૂપે કામ કરી રહી છે.
બેંકના 116મા સ્થાપના દિવસ પ્રસંગે દાનહ જિલ્લા કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભાના આહ્વાન પર બેંકે દાદરા નગર હવેલીના 116 જેટલા કુપોષિત બાળકોને દત્તક લીધા છે. આ તમામ બાળકોને સ્વસ્થ, તંદુરસ્ત બનાવવાના ઉદ્દેશ્યથી બાળકોની સારસંભાળ લેશે અને એમના માતા-પિતા સાથે પરામર્શ કરશે.
બેંકબરોડાએ તેના સ્થાપના દિવસ નિમિત્તે સેવાકીય ભાવનાથી દાનહ ટ્રાફિક વિભાગના 60 પોલીસ કર્મચારીઓને બેંક ઓફ બરોડા તરફથી રેઇનકોટની ભેટ આપવામાં આવી હતી. જ્યારે સેલવાસ નગરપાલિકાને પ્રમુખ અને ચીફ ઓફિસરની હાજરીમાં પાંચ કચરાના નિકાલ માટેની ટ્રોલી આપવામાં આવી હતી. ત્યારબાદ સ્ટ્રીટ વેન્ડરોને 30 છત્રીઓનું વિતરણ કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતને પણ 50 રેઇનકોટ આપવામાં આવ્યા હતા.
તમામ કાર્યક્રમો દરમ્યાન એરિયા મેનેજર-વલસાડ વિભાગના શ્રી શૈલેન્દ્ર કુમાર સિંહ, શ્રી અમિત મિશ્રા, સહાયક મહાપ્રબંધક-સેલવાસ બ્રાન્ચના શ્રી રમેશ ચૌબે તથા દાનહની બેંક ઓફ બરોડાની બ્રાન્ચોના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.