(વર્તમાન પ્રવાહ વાપીબ્યુરો)
વાપી, તા.23: દેશના પૂર્વ પટ્ટીમાં આવેલ મણીપુર રાજ્યમાં પિસાચીકાંડ આચરાયો હતો. ત્રણ મહિલાઓને નિર્વષા કરીને સામુહિક બળાત્કારની બનેલી હિચકારી શરમજનક ઘટનાના પ્રત્યાઘાત દેશભરમાં પડયા છે. વલસાડ જિલ્લામાં ખેરગામ અને ધરમપુરમાં રેલી કાઢી સજ્જડ બંધ પળાયો હતો.
મણીપુરની હિચકારી ઘટનાના વિરોધમાં આજે રવિવારે આદિવાસી સમાજ દ્વારા બંધનું એલાન અપાયું હતું. ક્રાંતિકારી બિરસા મુંડા સર્કલથી બાબા સાહેબ સર્કલ સુધી મૌન રેલી કાઢીને મુક આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો. રેલીમાં વેપારીઓ, ડોક્ટર, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને રાજકીય આગેવાનો જોડાયા હતા. મણીપુર રાજ્યમાં ઘટેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત ખેરગામમાં પણ પડયા હતા. ખેરગામમાં પણ આદિવાસી સમુદાય રેલી કાઢી હિચકારી ઘટનાને વખોડી દેવાઈ હતી.
