October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

 દાદરા નગર હવેલીનો ઇતિહાસ

ત્ર્યંબકેશ્વરથી નીકળીને પશ્ચિમ સાગરમાં મળતી દમણગંગા નદીને કિનારે આજના ગુજરાત અને મહારાષ્‍ટ્ર રાજ્‍યોની સીમાપાર આવેલો 72 ગામોનો પ્રદેશ દાદરા નગર હવેલી તરીકે ઓળખાય છે.
વૈદિક સંસ્‍કૃતિથી સિંચાયેલા પ્રત્‍યેક પ્રદેશમાં કોઈ પણ નદી ‘ગંગા’ તરીકે જ ઓળખાય છે. શ્રીલંકાના શબ્‍દકોશમાં તો ‘નદી’ એવો જુદો જબ્‍દ જ નથી. બ્રહ્મદેશથી ઇંડોનેશિયા સુધી સર્વત્ર નદી નદીનો સંબંધ ‘ગંગા’ સાથે જ જોડવામાં આવે છે. આમ આ નદીનું ‘દમણગંગા’ નામ જ વૈદિક સંસ્‍કૃતિમાં રહેલી આ પ્રદેશની ભૂમિકા સ્‍પષ્‍ટ કરે છે, તેમજ આ પ્રદેશને બૃહદ્‌ભારત સાથે જોડે છે. તેને ત્ર્યંબકેશ્વરથી નીકળીને પૂર્વમાં જતી ગોદાવરી, તપヘર્યા માટે પ્રખ્‍યાત નર્મદા, સૂર્યપુત્રી તાપી તથા ઔરંગા અને પૂર્ણા નદીને પાડોશ મળેલો છે. તોપ્રાચીન ઋષિઓએ જે નદીને કિનારે વેદ અને ઉપનિષદોની સંહિતાનું ગાન કર્યું છે એ સરસ્‍વતી નદી સાથે તેની સાંસ્‍કૃતિક એકાત્‍મકતા છે.
છેલ્લાં બે અઢી હજાર વર્ષોથી એટલે કે સમ્રાટ અશોકના સમયથી આ પ્રદેશ પરાંત અને અપરાંત નામોથી ઓળખાય છે. પરાંત એટલે કે ગુજરાત તરફની ભાગ અને અપરાંત એટલે મહારાષ્‍ટ્ર કે કોંકણપટ્ટીનો પ્રદેશ. સમ્રાટ અશોકના સમયમાં અપરાંત પ્રદેશની રાજધાની સુપર્ણક હતી. લગભગ બે હજાર વર્ષ પહેલાં મૌર્યયુગના અંતની શરૂઆત થઈ. તે પછી ત્‍યાં શક આવ્‍યા અને તેમની પાછળ સાતવાહન આવ્‍યા. ઈ.સ.145માં અપરાંત ભાગમાં સાતવાહન વંશના ગૌતમીપુત્ર સાતકરણીએ સત્તા પ્રાપ્ત કરી જે બીજી શતાબ્‍દીના અંત સુધીમાં ઉત્તરમાં કાઠિયાવાડથી શરૂ કરીને દક્ષિણમાં કૃષ્‍ણા નદીના પ્રદેશ સુધી વિસ્‍તરી. આ સમયની વધુ માહિતી તો ઉપલબ્‍ધ નથી પરંતુ કાન્‍હેરી અને નવસારીમાંથી મળી આવેલા શિલાલેખો તેમ જ સુરત અને પારડી નજીકથી મળી આવેલાં નાણાં પરથી એ સ્‍પષ્‍ટ થાય છે કે ઈ.સ.177 થી 1262 સુધી સાતકરણી, ત્રિકુટક, વાકાટક, કલચુરી, બદામીના ચૌલુક્‍ય, રાષ્‍ટ્રકૂટ, યાદવ, ચૌલુક્‍ય અને હોયસલ વગેરે અનેક વંશોએ આ પ્રદેશ પર રાજ્‍ય કર્યું.
ઈ.સ.1262થી આ પ્રદેશનો વ્‍યવસ્‍થિત ઇતિહાસ ઉપલબ્‍ધ છે. રાજસ્‍થાનના એક રાજવંશમાંથી હદપાર કરાયેલારામસિંગ નામના રાજકુમારે સ્‍થાનિક કોળી રાજાઓ સાથે લાંબો સંઘર્ષ કર્યા બાદ આ પ્રદેશનું રાજ્‍ય મેળવ્‍યું. ઈ.સ.1262માં પોતાને મહારાજા કે મહારાણા ઘોષિત કરીને પોતાનું પ્રશાસન સ્‍થાપ્‍યું અને આ પ્રદેશને પણ પોતાનું નામ આપ્‍યું, ત્‍યારથી આ પ્રદેશ રામનગર તરીકે ઓળખાવા લાગ્‍યો. રામસિંગના હાથ નીચે લગભગ અઢી હજાર કિ.મી.નો જે પ્રદેશ હતો તેમાંનું એક પરગણું એટલે દાદરા નગર હવેલી. ઈ.સ. 1432 સુધી અહીં એક જ વંશના ચાર રાજાઓ થઈ ગયા. તે દરમિયાન ઈ.સ. 1360માં રાજધાની નગર હવેલીને બદલે ફતેહપુર લઈ જવામાં આવી. ઈ.સ. 1432માં આ રાજ્‍યની સીમા દક્ષિણે જવ્‍હાર તાલુકો, પૂર્વમાં નાશિક જિલ્લાનું પેઠ અને સુરગણા પ્રદેશ તથા ઉત્તરમાં વલસાડની ઔરંગા નદી સુધી હતી. પヘમિ કિનારે આવેલું દમણ બંદર તે સમયે ગુજરાતના સુલતાન પાસે હતું. આ પ્રદેશ ત્રણેય દિશાએ મુસ્‍લિમ રાજ્‍યોથી ઘેરાયેલો હતો પણ રામનગરના રાજ્‍યકર્તાઓએ તેમની સાથે કોઈ પણ પ્રકારે સંઘર્ષ થવા દીધો નહીં. ઈ.સ. 1523માં આ પ્રદેશમાં પોર્ટુગીઝોનો પ્રવેશ થયો અને ત્રીસ પાંત્રીસ વર્ષના પ્રયત્‍નો અને સંઘર્ષ પછી ઈ.સ. 1556માં જ્‍યારે તેમણે ગુજરાતના સુલતાન પાસેથી દમણબંદર મેળવી લીધું ત્‍યારે રામનગરના તત્‍કાલીન રાજા જયદવે ક્‍યારેક સંધિ તો ક્‍યારેક યુદ્ધએવો વ્‍યવહાર રાખીને બંદર પર ચોથ વસૂલ કરવાનો પોતાનો હક પ્રસ્‍થાપિત કર્યો. ચોથના આ હકની તેની માગણી ગુજરાતના સુલતાન અને પોર્ટુગીઝોએ રામસિંગ સાથે યુદ્ધ ટાળવાના હેતુથી સ્‍વીકારી લીધી. ઈ.સ. 1664 સુધીનો સમય આ રીતે જ પસાર થયો. તે દરમિયાન આ પ્રદેશનો વિકાસ પણ થયો.
ઈ.સ. 1664માં મોગલ અને અન્‍ય પરદેશી આક્રમકોએ લૂંટેલી સંપત્તિ પાછી મેળવવાના હેતુથી છત્રપતિ શિવાજી મહારાજે જ્‍યારે સુરત પર ચઢાઈ કરી ત્‍યારે તેમનો માર્ગ રામનગર અને જવ્‍હાર પ્રદેશમાંથી જતો હતો. પરંતુ સુરત પહોંચતા પહેલાં ત્‍યાં કોઈ પણ પ્રકારનો સંઘર્ષ ન થાય તેની સાવચેતી તેમણે રાખી હતી. ગુજરાતના સુલતાનની હદમાં લગભગ 170 કિ.મી. સુધી અંદર ઘૂસીને સુરતમાં આઠ દિવસ સુધી તેમણે લૂંટ કરી. આ લૂંટ લઈને પાછા ફરતી વખતે ગુજરાતનો સુલતાન તેમનો પીછો કરશે તેવી આશંકાથી તેમણે માર્ગ બદલ્‍યો. અને પોર્ટુગીઝોની હદમાંથી તેઓ પસાર થયા. પોર્ટુગીઝો તરફથી પણ તેમને કોઈ અવરોધ નડયો નહીં. તે સમયે મોગલો સૌથી વધુ શક્‍તિશાળી હતા તેથી પોર્ટુગીઝો તેમની સાથે તો સુમેળ રાખીને જ રહેતા પરંતુ મોગલોની સરખામણીમાં શિવાજી મહારાજનું રાજ્‍ય ઘણું નાનું હોવા છતાં તેમની શક્‍તિથી પણ પોર્ટુગીઝો પૂરા વાકેફ હતા તેમ જણાય છે. તત્‍કાલિન પોર્ટુગીઝવાઇસરૉય એન્‍ટોનિયો-ડી-મેલો-ડી-કેસ્‍ટ્રોએ ઈ.સ. 1665માં પોર્ટુગીઝ સરકારને પાઠવેલી માહિતીમાં તે લખે છે, ‘શિવાજીએ પોતાના રાજ્‍યથી લગભગ 100 કિ.મી. કરતાં વધુ પણ દૂર આવેલા સુરત જેવા શહેર પર અચાનક હુમલો કર્યો. અંધકારને ચીરતા પ્રકાશકિરણ જેવા પ્રચંડ વેગથી તેઓ આઠ દસ હજારના સૈન્‍ય સાથે સુરત પહોંચ્‍યા. માર્ગમાં આવતા રાજ્‍યોના જાસૂસોને પણ તેમના આક્રમણની માહિતી મળી શકી નહીં. તેમનું આક્રમણ એટલું તો ઓચિંતું હતું કે મોગલો તેનો પ્રતિકાર પણ કરી શક્‍યા નહીં.’
(ક્રમશઃ)

Related posts

અબોલ જીવને બચાવવા જિલ્લાના સામાજીક વનીકરણ વિભાગ, પશુપાલન વિભાગ ,સ્વૈછિક સંસ્થાઓ દ્વારા કરૂણા અભિયાન હાથ ધરાશે.

vartmanpravah

દીવ નગરપાલિકાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને 2 જૂને અનામત બેઠકોનો ડ્રો થશે

vartmanpravah

દાનહઃ સામરવરણી પંચાયતમાં ‘‘આદિવાસી જંગલ જનજીવન આંદોલન” દ્વારા સામુહિક વન પરિષદની બેઠક યોજાઈ

vartmanpravah

દમણ કોર્ટમાં ‘વિશ્વ આરોગ્‍ય દિવસ’ની ઉજવણી કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને આરોગ્‍ય સચિવ ડો.એ. મુથમ્‍માની સલાહ પર દમણની પોલીકેબ ઈન્‍ડિયા લિ. કંપનીએ પ્રશાસનના સહયોગથી સીએસઆર હેઠળ પોષણ કીટનું કરેલું વિતરણ

vartmanpravah

દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા 74મા ‘બંધારણ દિવસ’ને મનાવાયો

vartmanpravah

Leave a Comment