-
મધુબન ડેમમાંથી તબક્કાવાર 2.50 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું
-
ખેતરોમાં પાણી ભરાવાને કારણે ડાંગર સહિતના પાકને પણ ભારે નુકસાનઃ ભગતપાડામાં એનડીઆરએફ અને કોસ્ટગાર્ડની ટીમ દ્વારા 22થી વધુ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી સેલ્ટર હોમમાં મોકલાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28 : દાદરા નગર હવેલીના સેલવાસમાં ગુરૂવારની રાત્રિના 8 વાગ્યાથી શુક્રવારના રાત્રિના આઠ વાગ્યા દરમિયાન પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જ્યારે ખાનવેલમાં ધોધમાર વરસાદ થતાં દસ ઇંચથી વધુવરસાદ નોંધાયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધતા અઢી લાખ ક્યુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવ્યું હતું. ડેમમાંથી પાણી છોડવાને કારણે સેલવાસ નરોલી રોડ બ્રિજને રાત્રિ બાર વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી વાહનોની અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો હતો. નદીમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે નદી કિનારેના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.
ખાનવેલ વિસ્તારમાં ધોધમાર વરસાદ થતાં સાંકરતોડ નદીમાં ભારે પૂર આવવાને કારણે તલાવલી પુલ અને ખાનવેલથી ચૌડા પુલને બંધ કરવામાં આવ્યો હતો. મૂશળધાર વરસાદના કારણે ભગતપાડા, પારસપાડા સહિત નદી કિનારાના ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે તારાજી સર્જાઈ હતી. ખેતરોમાં પણ પાણી ભરાઈ જવાને કારણે ડાંગર સહિતના પાકને પણ ભારે નુકસાન થયું છે. ભગતપાડામાં એનડીઆરએફની ટીમ અને કોસ્ટગાર્ડની ટીમ દ્વારા 22થી વધુ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી સેલ્ટર હોમમાં લઈ જવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં કલેક્ટર સહિત પ્રશાસનની ટીમ પહોંચી જરૂરી સહાય પહોંચાડવામાં આવી હતી. ભોગ બનેલા લોકોને વિવિધ સંસ્થાઓ દ્વારા પણ સહાયકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્થાનિકો દ્વારા પીડિતોને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પવનનાસુસવાટા સાથે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. જેને ફાયર વિભાગની ટીમ દ્વારા હટાવવામાં આવ્યા હતા. સેલવાસના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની શક્યતાને લઈ નગરપાલિકા પ્રમુખ દ્વારા પરિસ્થિતિનો તાગ મેળવી કેટલાક લોકોને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા હતા.