રાજસ્થાન ભવનમાં મેગા રક્તદાન કેમ્પ યોજાયોઃ 435 યુનિટ રક્તદાન : રક્તદાતાઓનું કરાયું સન્માન
પૂર્વ પાલિકા નગર સેવિકા સ્વ.મંજુબેન દાયમાની પ્રત્યેક પુણ્યતિથિએ
પરિવાર રક્તદાન કેમ્પનું આયોજન કરે છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.30: વાપી રાજસ્થાન ભવન ખાતે રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ વાપી, વાપી-દમણ-સેલવાસના સહયોગથી રાજસ્થાન ભવનમાં આજે રવિાવરે મેગા રક્તદાન કેમ્પ યોજાયો હતો. વાપી નગરપાલિકાના પૂર્વ નગરસેવિકા સ્વ.મંજુબેન દાયમાની 16મી પુણ્યતિથિએ યોજાયેલ રક્તદાન કેમ્પમાં 435 યુનિટ રક્તદાન રક્તદાતાઓએ કર્યુ હતું.
રક્તદાન કેમ્પનું ઉદ્દઘાટન રાજ્યના કેબિનેટ નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ દિપ પ્રજ્વલિત કરીને કર્યુ હતું. આ પ્રસંગે દાયમાપરિવારની ઉત્કૃષ્ઠ માનવતાભરી સેવા કામગીરીને તેઓએ બિરદાવી હતી. બી.કે. દાયમાએ જણાવ્યું હતું કે, સ્વ.મંજુબેન દાયમા સેવા પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. તેમની ઈચ્છા હતી કે શિક્ષણ અને રક્તદાન ક્ષેત્રે લોકોને જાગૃત કરવા જોઈએ તે અંતર્ગત 16મી પુણ્યતિથિએ રક્તદાન કેમ્પનું આયોજન કર્યુ છે. શિક્ષણ ક્ષેત્રે સંસ્કાર વિદ્યાપીઠ નામની અંગ્રેજી માધ્યમની શાળા તેમની સ્મૃતિમાં કાર્યરત છે. રક્તદાન કેમ્પમાં રાજસ્થાન ભાજપ ઉપાધ્યક્ષ મુકેશ દાધિચ, રાજસ્થાન રામમંડી ધારાસભ્ય મદન દિલાવર, વી.આઈ.એ. પ્રમુખ સતિષભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજસ્થાન પ્રગતિ મંડળ પ્રમુખ રાજેશ દુગ્ગડ, સચિવ દિનેશ દાયમા, સંયોજક વિજય સરાફના હોદ્દેદારોએ રક્તવિરોનું સન્માન કર્યુ હતું.