કપરાડા તાલુકાના મેઘવાળ, નગર, રાયમલ અને મધુબન એમ ચાર ગામને સંઘપ્રદેશમાં સામેલ કરવા અંગે ગાંધીનગરમાં મળનારી બેઠકમાં અંતિમ નિર્ણય લેવાશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.04: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીને અડીનેઆવેલા ચાર ગામને સંઘપ્રદેશમાં જોડવા અંગે આગામી તા.28 ઓગસ્ટના રોજ ગાંધીનગરમાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની મીટિંગ યોજાનાર છે. છેલ્લા આઠ વર્ષથી આ મામલે રજૂઆત અને વિરોધ સ્થાનિક લેવલે થઈ રહ્યો છે. તેથી ગાંધીનગરમાં મળનારી બેઠકમાં અંતિમ નિર્ણય લેવાઈ શકે તેવી માહિતી સાંપડી છે.
આગામી તા.28મી ઓગસ્ટના રોજ ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક યોજાનાર છે. પશ્ચિમ ભારતના ત્રણ રાજ્યો અને સંઘપ્રદેશની બેઠક યોજાશે. જેમાં મેઘવાળ, નગર, રાયમલ અને મધુબન એમ ચાર ગામોને સંઘપ્રદેશમાં જોડવાનો અંતિમ નિર્ણય લેવાય તેવી સંભાવના છે. આ ચારેય ગામોનો કેટલોક હિસ્સો દાદરા નગર હવેલીની સરહદે છે. આ બોર્ડર વિલેજના ચાર ગામોને સંઘપ્રદેશમાં ભેળવવા અંગે આઠ વર્ષથી માંગણીઓ થઈ રહી છે. કારણ કે સ્થાનિક વહેવાર દાનહ સાથે સંકળાયેલો છે. તેમજ દારૂબંધી હટી જાય તો પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થઈ શકે એમ છે. હાલ દારૂબંધીને લઈ વિકાસ અટક્યો છે. જો કે આમાં મત મતાંતર પણ ચાલી રહ્યા છે. મેઘવાળ જેવા ગામ જોડાવા નથી ઈચ્છતા બીજુ ગુજરાતના નકશામાં પણ ફેરફાર થશે. સ્થાનિક લોકોના મહેસુલી પ્રશ્નો પણ ઉભા થશે. જેવી અડચણો પણ છે. તેથી જટીલ મુદ્દો ઉકેલવો અઘરો છે. જોવુંએ રહ્યું કે, 28મી ઓગસ્ટની મીટિંગમાં આખરી નિર્ણય શું આવે છે.