(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. 10 : દમણ જિલ્લાની સહકારી ક્ષેત્રની સૌથી જૂની અને આગેવાન સંસ્થા શ્રી દમણ જિલ્લા સહકારી ભંડારે પોતાના62મા સ્થાપના દિવસની ઉજવણી ખુબ જ આનંદ, ઉત્સાહ અને ઉમંગ સાથે કરી હતી.
મોટી દમણ સ્થિત થાણાપારડી સરકારી સ્કૂલમાં અમૂલની બ્રાન્ડેડ આઈટમની કિટનું વિતરણ કરી બાળકોને અમૂલના ઉત્પાદનની સુંદર કિટની ભેટ આપવામાં આવી હતી.
મોટી દમણ સ્થિત વૃદ્ધાશ્રમમાં ત્યાં રહેતા વડીલો સાથે બેસી પ્રેમભરી ચર્ચા કરી હતી અને તેમના હાલચાલ જાણ્યા હતા. તેમને પણ અમૂલ ઉત્પાદનની કિટ ભેટ આપી આશીર્વાદ લીધા હતા.
સંસ્થાના કાર્યાલય ખાતે બપોરે ડાયરેક્ટરો અને કર્મચારીઓએ સાથે બેસી ભોજન લઈ સંસ્થાને ઔર વધુ ઊંચાઈએ લઈ જવાનો સંકલ્પ લીધો હતો.
આ પ્રસંગે શ્રી દમણ જિલ્લા સહકારી ભંડારના ચેરમેન શ્રી હિરેન જોષીએ દરેકનો દિલથી આભાર માની ‘સબકા સાથ, સબકા વિકાસ’ના નારાને ચરિતાર્થ કરી સામુહિક સહકારી પ્રયાસથી સંસ્થાને વધુ ને વધુ લોકાભિમુખ બનાવવા દરેક કર્મચારીઓ અને ડાયરેક્ટરોને પ્રેરિત કર્યા હતા.
