(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: સમાજ સુધારક, કવિ, ગદ્ય સાહિત્યકાર વીર નર્મદ લાભ શંકર દવેનો જન્મ 24 ઓગસ્ટ 1833ના રોજ સુરતમાં થયો હતો. કવિ નર્મદના જન્મદિવસને આ વર્ષે 190 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે ધરમપુર પાલિકા સંચાલિત શ્રીમંત મહારાણા શ્રી નારણદેવજી લાઈબ્રેરીમાં વીર નર્મદની પ્રતિમાન પૂજન કરી દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી કરી હતી.
કવિશ્રી વીર નર્મદ કવિતા, ગદ્ય પ્રકારનું સાહિત્ય લખવાની સાથે સમાજ સુધારક પણ હતા. દેશમાં ચાલતી અંધશ્રધ્ધાઓ, કુરિવાજોથી સમાજને બચાવવા પોતાની જાત હોમી દીધી હતી. આજથી 150 વર્ષ પહેલા તેમણે સમાજમાં સુધારા થાયતે માટે વિધવાસ્ત્રી જોડે લગ્ન કર્યા હતાં. તેમણે લેખન કાર્યમાં સમાજ સુધારણા માટે ‘દાંડિયા’ નામનું સામયિક દ્વારા સાહિત્ય સેવા અને સમાજ સેવા કરી હતી. તેમનું પ્રેમ શૌર્ય અંકિત કાવ્ય ‘જય જય ગરવી ગુજરાત’ આજે પણ એટલું જ પ્રચલિત છે. વીર કવિની જન્મજયંતીની ઉજવણી પ્રસંગે ધરમપુર નગરપાલિકાના વહીવટદાર અને મામલતદાર ફ્રાન્સિસ વસાવા, પાલિકાના ચીફ ઓફિસર ડો. વિજયભાઈ ઈટાલિયા, પાલિકાના માજી ઉપપ્રમુખ નરેશભાઈ પટેલ, લાઈબ્રેરીના સૌથી જૂના વાચક સભ્ય અને જાણીતા ચર્ચાપત્રી રાયસિંગભાઈ વળવી તથા લાઈબ્રેરીના વાચક યુવા-યુવતીઓ મોટી સંખ્યામાં હાજર રહી વીર નર્મદની પ્રતિમા પાસે દીપ પ્રાગટય કરી ફૂલહાર ચઢાવી વીર નર્મદને નમન કરી જન્મજયંતીની ઉજવણી કરી હતી.
