ઘરમાં કોઈનું મોત થશેની તાંત્રિકે આપેલ ધમકીને લઈ 6 વરસે
નોંધાવી છેતરપિંડીની ફરિયાદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.25: ઘરમાં દટાયેલ સોનાના ઘડા, આકાશમાંથી પૈસા પાડવા તથા નાગમણિ મેળવવા ઉચ્ચ શિક્ષિત વર્ગ, વેપારીઓ, મોટા ખેડૂતો અને સરકારી અધિકારીઓ પણ સોનું અને રૂપિયાની લાલચમાં આવી લોભિયા હોય ત્યાંધુતારા ભુખે ન મરે ની કહેવતને સાચી ઠેરવી પોતાની મહેનતની વરસોની કમાણી ગુમાવી ચૂકયા છે અને કેટલાય કિસ્સામાં લોકોએ પોતાના જાન પણ ગુમાવ્યા બાદ એમની લાશ પણ મળી નથી પરંતુ વધુને વધુ મેળવવાની લાલચમાં માનવી પોતાનું સર્વસ્વ ગુમાવ્યા બાદ પસ્તાતો હોય છે.
આવો જ કઈક કિસ્સો પારડી તાલુકાના મોટા વાઘછીપા માહ્યાવંશી ફળિયા ખાતે રહેતા જયંતિભાઈ ફકીરભાઈ માહ્યાવંશી પરિવાર સાથે બનવા પામ્યો છે.
તારીખ 23.3.2018 ના રોજ મહેન્દ્ર હુકમિચંદ જોષી ઉ.વ. 53 રહે. પાણીની ટાંકી નજીક, ગામ ખિયાલા, જી. નાગૌર, રાજસ્થાને મોટા વાઘછીપા ખાતે જયંતિભાઈના ઘરે આવી જ્યોતિષ હોવાની ઓળખાણ આપી ઘરમાં હાજર જયંતિભાઈની પત્ની ઉર્મિલાબેનને તમારી જગ્યા ખૂબ પાવરફૂલ હોવાનું જણાવી જમીનમાં સોનાના ઘડા હોવાની લાલચ આપી વિધિ કરીને બહાર કાઢવાના તા.8.4.2018 ના રોજ 21 હજાર લઈ તા.9.4.2018 ના રોજ ઘરના પાછળના ભાગે ચાર ફૂટ લાંબો, પહોળો અને ઊંડો ખાડો ખોદાવી તા.10.4.2018 ના રોજ ફરીથી આવી નાળિયેર લઈ ખાડામાં ઉતરી નાળિયેરથી માટી હટાવી માટીમાંથી સોનાની એક બિસ્કીટ કાઢી સોનું છૂટું પડી ગયું હોવાનું જણાવી ભેગુ કરવા માટે 50 હજાર અને તા.5.6.2018 ના રોજ પૂજાના સામાનના 11600 અનેતા.24.6.2018 ના રોજ પૂજાના 4 હજાર લઈ ખાડામાંથી તાંબાના ત્રણ કળશ કાઢી આપી બીજા 25 થી 30 કળશમાં કરોડોનું સોનું હોવાનું જણાવી લાલચ આપી 1 લાખનો ખર્ચ થશે હોવાનું કહી વલસાડમાં તારીખ 25.6.2018 ના રોજ 11 હજાર અને અન્ય 2500 રૂપિયા માગી સોનું શુદ્ધ કરવામાં 105 દિવસ લાગશે હોવાનું જણાવ્યું હતું.
આમ તાંત્રિક વિધિના વધુ 7 લાખ લઈ 105 દિવસ બાદ પરત આવી કામ ભારે હોય અમદાવાદ ખાતે મારા ગુરુજી પાસે જવું પડશે હોવાનું કહી ખાડાની માટી લઈ અમદાવાદ ખાતે રહેતા સાગર ભિવરાજ જોષી રહે.ચંદ્રભાગા હાઉસિંગ સોસાયટી ઘર. નં. બી.10 નવા વાડજ અમદાવાદની મુલાકાત કરાવી સાગર ગ્યારશી લાલ શર્મા રહે.ક્રિષ્ના વિહાર, ભારત ગેસ ગોડાઉન, નિવારૂ રોડ, જયપુર, રાજસ્થાન પાસે લઈ જતા તેણે મહેન્દ્રએ તમારું કામ બગાડ્યું હોવાનું જણાવી ફરિથી વિધિ માટે 8,75,000 તથા તાંત્રિક વિધિ તથા જમવાના 61,64,000 જેટલી રકમ માંગતા લાલચમાં અંધ બનેલા જયંતિ ભાઈએ સોનું મેળવવાનું તો દૂર રહ્યું પરંતું પોતાનું સોનું ગીરવે મૂકી કુલ 91,35,500 જેટલી માતબર રકમ ચૂકવી દીધી હતી. પરંતું સોનું ન નીકળતા જયંતિભાઈએ પૈસા પરત માંગતા મહેન્દ્રએ ફક્ત 6,50,000 જેટલી રકમ પરત આપી પૈસા માગશો તો ઘરનું કોઈ મરી જશે હોવાનુંકહેતા ડર ને લઈ આજદિન સુધી ફરિયાદ નોંધાવી ન હતી. આમ હાલની તારીખમાં તો જયંતિભાઈએ 84,85,500 જેટલી માતબર રકમ સોનું મેળવવાની લાલચમાં ગુમાવવાનો વખત આવ્યો છે. પારડી પોલીસે આઈ.પી.સી. કલમ 406, 420, અને 120 બી હેઠળ ગુનો નોંધી તમામને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.