મહામહિમ રાષ્ટ્રપતિ જમ્પોર ખાતે એવીઅરી(પક્ષીઘર) નિહાળી મંત્રમુગ્ધ થયા
મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું દમણ આગમન થતાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરેલું ઉષ્માભર્યું અભિવાદન
કોસ્ટગાર્ડ દ્વારા ગાર્ડ ઓફ ઓનરથી મહામહિમ રાષ્ટ્રપતિનું કરાયેલું સન્માન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂનું આજે સુરત થઈ દમણ ખાતે આગમન થતાં કોસ્ટગાર્ડ એર સ્ટેશન ખાતે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું અને કોસ્ટગાર્ડ દ્વારા ગાર્ડ ઓફ ઓનરથી મહામહિમ રાષ્ટ્રપતિને સન્માનિત કરાયા હતા.
કોસ્ટગાર્ડ એરપોર્ટથી મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂનું મોટી દમણ ગવર્નર હાઉસ ખાતે સંઘપ્રદેશના પ્રશાસકશ્રી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સ્મૃતિ ચિહ્નની પણ ભેટ આપવામાં આવી હતી.
સમી સાંજે દેશના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ મોટી દમણના જમ્પોર ખાતે એવીઅરી(પક્ષીઘર)ની મુલાકાત લીધી હતી અને પક્ષીઓ સાથે પોતાની આત્મિયતા પણ બતાવી હતી. રાષ્ટ્રપતિ મહોદય સાથે ઉપસ્થિત તેમના પ્રતિનિધિઓ પણ દેશી-વિદેશી ખુલ્લી હવામાં ઉડી રહેલાપક્ષીઓને નિહાળી અને તેમને પોતાના હાથ ઉપર બેસાડી ખુબ જ રોમાંચિત થયા હતા.
મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ સરકારી એન્જિનિયરીંગ કોલેજ અને નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેક્નોલોજી(નિફટ) પરિસરની પણ મુલાકાત લીધી હતી અને આા સંસ્થાઓની આધુનિક સુવિધાઓ તથા શૈક્ષણિક માળખાની જાણકારી મેળવી વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને મહેનત અને સમર્પણ સાથે તેમના ધ્યેયો સિદ્ધ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. રાષ્ટ્રપતિ મહોદયની સાથે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.