દુકાનદારો સહિત મોટી સંખ્યામાં લોકો ઊમટી પડી દુકાનો સામે જમીન પર બેસી જઈ અનેક નારાઓ લગાવી જેસીબી પર ચડી જઈ નોંધાવ્યો વિરોધ
પારડી પ્રાંત અધિકારી, મામલતદાર, નહેરખાતાના અધિકારીઓ સહિત
પોલીસનો કાફલો ખડકાયો
મહિલાના આત્મહત્યાના પ્રયાસના સોશિયલ મીડિયા પર મેસેજ વહેતા
થતા તંત્રમાં દોડધામ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.12
છેલ્લા 25-30 વર્ષથી દમણગંગા નહેર ખાતામાં સંપાદન થયેલી નહેરની બાજુની જમીનમાં દુકાનો બાંધી ગેરકાયદેસર કબજો જમાવી રોજી રોટી કમાતા કબજેદારોને દમણગંગા નહેર વિભાગ દ્વારા નોટિસો આપી જગ્યા ખાલી કરવા માટે જાણ કરવામાં આવી હતી પરંતુ ચાર-ચાર નોટીસો આપવા છતાં દુકાનો ખાલી ન કરાતા દમણગંગા નહેર તંત્ર દ્વારા આજરોજ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ખુંટેજથી લઈ રોહિણા સુધી આવેલ 71 જેટલી ગેરકાયદેસર દુકાનો પૈકી 50 જેટલા દુકાનદારએ સ્વેચ્છાએપોતાનો માલ-સામાન હટાવી દુકાનો ખાલી કરી દીધી હતી. પરંતુ 20 થી 21 જેટલા દુકાનદારોએ સરપંચ, ધરમપુરના આદિવાસી નેતા કલ્પેશ તથા ગામજનો સાથે ભેગા મળી ગઈકાલે આ અંગેની રજૂઆત પારડી મામલતદારને કરી હતી.
આજરોજ સવારે અચાનક દબાણગંગા નહેર ખાતાના અધિકારીઓ પ્રાંત સાહેબ પારડી મામલતદાર તથા મોટી સંખ્યામાં પોલીસ કાફલો સાથે લઈ રોહિણા ખાતે પહોંચી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવતા મોટી સંખ્યામાં ઉપસ્થિત ગામજનો અને દુકાનદારો ભેગા થઈ ધરમપુરના આદિવાસી નેતા કલ્પેશ પટેલ તથા કપરાડા ના વસંત પટેલ ગામના સરપંચ રવિન્દ્ર પટેલની આગેવાનીમાં આ ડિમોલિશનનો વિરોધમાં આવી દુકાનની આગળ બેસી જઈ અનેક નારાઓ લગાવી અને આવેલ બુલડોઝર પર ચડી જઈ વિરોધ નોંધાવતા ડિમોલિશનની કામગીરી અટકી પડી હતી અને સ્થાનિકોએ આ નિર્ણય ગ્રામસભામાં લેવામાં આવે હોવાની માંગ કરી હતી.
વલસાડના ડીવાયએસપી એ.કે. વર્મા સ્થળ પર પહોંચી ફરી એકવાર તમામ દુકાનદારો તથા આગેવાનોને સમજાવનાર પ્રયાસ કર્યા હતા પરંતુ મામલો થાળે ન પડતા વલસાડ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વસંતભાઈ પટેલ, વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસના ઉપ પ્રમુખ રવિભાઈ પટેલ, ધરમપુરનાં કલ્પેશભાઈ પટેલ, આદિવાસી રૂઢિ ગ્રામ સભાના પ્રમુખ રમેશભાઈપટેલ, ગામના સરપંચ રવિન્દ્ર પટેલ, દુકાનદાર ભાઈઓ-બહેનો સહિત તમામને ડીટેઇન કરી પારડી પોલીસ સ્ટેશનને લઈ જઈ દમણગંગા નહેરની સંપાદિત થયેલી જગ્યા પર કબજો જમાવી દુકાનો બાંધી રોજગારી મેળવતા આદિવાસીઓની રોજીરોટી પર બુલડોઝર ફરી વળ્યું હતું.
આ તમામ ઘટનાક્રમ વચ્ચે પહેલેથી જ આક્રમક એવા ધરમપુરના કલ્પેશ પટેલે એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનો એક મેસેજ સોશિયલ મીડિયા પર વહેતો કરાતા સમગ્ર તંત્ર દોડતું થયું હતું.
હાલમાં તો વર્ષોથી આ દુકાનો દ્વારા રોજીરોટી કમાઈને પોતાનું તથા પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા આદિવાસીઓ પર બુલડોઝર ફરી વળતાં તેઓ રોજીરોટી વિનાના થઈ ગયા છે.