પારનેરા સમાધિ મંદિરે દર્શન કરી વિહાર માટે મહારાજ સાહેબ અને સાધ્વીજીએ પારડી તરફ જઈ રહ્યા હતા ત્યારે ઘટેલી ઘટના
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.16: વલસાડ જિલ્લામાં વિહાર કરતા જૈન સાત મહારાજ સાહેબ 5 સેવકો સાથે પારનેરા સમાધિ મંદિરે દર્શન કરીને પારડી તરફ નિકળેલા હતા ત્યારે તોફાને ચઢેલ ગૌવંશજોએ જૈન સાધુઓના ટોળા ઉપર હુમલો કર્યો હતો. ઘટના બાદ ઘાયલ મુનિઓ અને સાધ્વિજીઓને સારવાર માટેખસેડાયા હતા.
જૈન મહારાજ સાહેબ ગોવિન સાગરજી અને અન્ય સાત મહારાજ સાહેબો પાંચ સ્વયં સેવકો સાથે પારનેરા સમાધિ મંદિરે દર્શન કરીને પારડી તરફ વિહાર કરવા આગળ વધી રહ્યા હતા ત્યારે ગૌવંશજોનું ટોળુ લડતું લડતું આવેલું અને વિહાર કરતા મહારાજ સાહેબ અને સાધ્વિજીઓને અડફેટે લીધા હતા. એક મુસ્લિમ બિરાદરે ટોળાને ભગાડી દીધું હતું. ઘટનાની જાણ વલસાડ જૈન સંઘને થતા અગ્રણીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 108ની મદદથી મહારાજ સાહેબને કસ્તુરબા હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. ઘટનામાં બે સાધ્વિજીઓને પણ સામાન્ય ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ બાદ જૈનો કસ્તુરબા હોસ્પિટલ દોડી આવ્યા હતા.