સેલવાસ ખાતે ડો. એ.પી.જે. અબ્દુલ કલામ કોલેજના ઓડિટોરિયમમાં યોજાયેલો પ્રદેશ સ્તરીય કાર્યક્રમઃ વર્ચ્યુઅલી જોડાયેલો દમણ અને દીવ જિલ્લો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17 : સંઘપ્રદેશ પ્રશાસન અને ભારત સરકારના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ મંત્રાલય દ્વારા સેલવાસ ખાતે ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ, કોલેજ ઓડિટોરિયમમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના શુભારંભનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં સંઘપ્રદેશના અન્ય બે જિલ્લા વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કરકમળો દ્વારા યશોભૂમિ અને પી.એમ. વિશ્વકર્મા યોજનાના ઉદ્ઘાટન કાર્યક્રમના પ્રસારણને પણ જીવંત નિહાળ્યું હતું.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રારંભમાં કાર્યક્રમનો આરંભ કરાવતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ માટે હંમેશા સૌના સાથ, સૌના વિકાસ માટે તત્પર રહે છે અને વિકાસ કામો તેજ ગતિથી નિર્ધારિત સમયની અંદર પુરા કરે છે. તેમણે પી.એમ. વિશ્વકર્મા યોજનાની માહિતી આપતાં જણાવ્યું હતું કે, યોજનાનો મુખ્ય ઉદ્દેશ પારંપારિક શિલ્પકારો અને વ્યવસાયકર્તાઓને સહાયરૂપ થઈ તેમને પ્રોત્સાહન આપવાનો છે. પ્રધાનમંત્રી વિશ્વકર્માયોજનાના બજેટમાં રૂા.13 હજાર કરોડનું ભંડોળ આરક્ષિત રાખવામાં આવ્યું છે. જેમાં 18 જેટલા પરંપરાગત હુન્નર-ધંધાને આવરી લેવામાં આવ્યા છે. તેમણે ભૂતકાળમાં ગામની બારટર સિસ્ટમની પણ રોચક માહિતી પુરી પાડી હતી.
અત્રે યાદ રહે કે, 164 પછાત વર્ગના 30લાખ પરિવારને લાભ આપવાની અપેક્ષા છે. 18 પારંપરિક વેપાર અને વ્યવસાય જેવા કે સુથાર, હોડીના નિર્માતા, કવચ બનાવનાર, લુહાર, હથોડા અને ટુલકીટ નિર્માતા, તાળા બનાવનાર, સોની, કુંભાર, મૂર્તિકાર, પથ્થર તોડનાર, મોચી, બુટ બનાવનાર કારીગર, મીસ્ત્રી ટોપલી ચટાઈ ઝાડું બનાવનાર, રમકડાં બનાવનાર, ધોબી, દરજી, માછલી પકડવાની જાળ બનાવનાર સામેલ છે.
વિશ્વકર્મા 18 વર્ષથી વધુ ઉમરવાળા કોઈપણ એક પરિવારના સભ્ય, સ્વરોજગાર હોવા જોઈએ અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા હોવો જોઈએ. પ્રગતિશીલ ઉપકરણોની ખરીદીના માટે નોંધણી પર પંદર હજારની નાણાંકીય સહાયતા, ગ્રામીણ અને શહેરી પારંપરિક કારીગરો અને શિલ્પકારોને સમર્થન માટે 5 ટકાના રાહત દર સાથે ત્રણ લાખ રૂપિયાની લોન સહાયતા, કારીગરો અને શિલ્પકારોને પી.એમ. વિશ્વકર્મા પ્રમાણપત્ર અને ઓળખપત્રના માધ્યમથી ઓળખ, કૌશલ ઉન્નયનના માટે વેતન, ડિજિટલ લેવડદેવડ માટે પ્રોત્સાહન મળશે. વિશ્વકર્મા દ્વારાનિર્માણ થયેલ ઉત્પાદને જી.ઈ.એમ. પોર્ટલ સાથે અનુસંધાન કરવામાં આવશે.
સંઘપ્રદેશ પ્રશાસને યોજનાનું સંચાલન માટે યુનિયન ટેરિટરી મોનીટરીંગ સમિતિ સાથે ત્રણેય જિલ્લામાં જિલ્લા સમિતિ ગઠિત કરવામાં આવી છે. આ ત્રણેય જિલ્લામાં નગરપાલિકા અને જિલ્લા પંચાયત દ્વારા સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું અને અગાઉથી જ 2300થી વધુ લાભાર્થીઓની ઓળખ કરવામા આવી છે.
આ અવસરે સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી અમિત સિંગલા, દાનહ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દામજીભાઈ કુરાડા, દમણ જિ.પ. પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન પટેલ, સેલવાસ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટી, દમણ પાલિકાના પ્રમુખ શ્રી અસ્પી દમણિયા, પશ્ચિમ રેલ્વેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના વિભાગીય રેલ્વે મેનેજર શ્રી નિરજ વર્મા, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને પ્રશાસનિક અધિકારીઓ તથા વિશ્વકર્માઓ ઉપસ્થિત રહ્યા હતા.