સંઘપ્રદેશના પંચાયતી રાજ અને નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતે જિલ્લા પંચાયત સભ્યો અને સરપંચો તથા સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બનાવેલો એક્શન પ્લાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20 : દાદરા નગર હવેલીમાં ‘આયુષ્માન ભવઃ’ અભિયાન અંતર્ગત જિલ્લાને કુપોષણ, ટી.બી.(ક્ષય) અને રક્તપિત મુક્ત જિલ્લો બનાવવા આજે પંચાયતી રાજ સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતના અધ્યક્ષ સ્થાને સેલવાસ કલેક્ટરાલયના સભાખંડમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા ‘આયુષ્માન ભવઃ’ અભિયાન અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અંતર્ગત આજે સેલવાસના કલેક્ટરાલય ખાતે પંચાયતી રાજ અને નાણાં સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં સેલવાસ જિલ્લા કલેક્ટર શ્રી પ્રિયાંક કિશોર, સમાજ કલ્યાણ સચિવ શ્રી ફરમન બ્રહ્મા, જિલ્લા પંચાયતનાસભ્યો અને સરપંચો તથા દરેક વિભાગના અધિકારીઓનો સમાવેશ થતો હતો.
15મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત તમામ પંચાયતોમાં સાફ-સફાઈના સૂક્ષ્મ આયોજનની સાથે સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન, અંગદાનના સંદર્ભમાં ગ્રામજનોને જાગૃત કરવા તથા અંગદાનની નોંધણી કરવા પંચાયત, પાલિકાના ચૂંટાયેલ જન પ્રતિનિધિઓને નિર્દેશ આપ્યો હતો.
જે ગ્રામ પંચાયતોમાં ‘આયુષ્માન ભવઃ’ અભિયાન અંતર્ગત કુપોષણ, ટી.બી.(ક્ષય) અને રક્તપિત મુક્તની બાબતમાં અપાતી સમજણને ધ્યાનમાં રાખી જે તે પંચાયતને 2 ઓક્ટોબર, 2023ના રોજ વિશેષ પુરસ્કૃત કરનાર હોવાની જાણકારી પણ આપવામાં આવી હતી.