(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28 : બેંગલોરના એરફોર્સ સ્ટેશન જબાહાલી ખાતે આગામી તા. 1લી ઓટક્ટોબરથી 5 ઓક્ટોબર,-2023 સુધી યોજાનારી રાષ્ટ્રીય સ્તરની 62મી સુબ્રોતો ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે દાદરા નગર હવેલીની ટીમ રવાના થઈ છે.
કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો હંમેશા બાળકોના આરોગ્ય અને સર્વાંગી વિકાસ માટેનો વિશેષ આગ્રહ રહ્યો છે. એમની લાગણીથી પ્રેરિત થઈ દાદરા નગર હવેલી પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા બાળકો વિવિધ ક્ષેત્રે પ્રગતી કરે તે માટે સમય સમય પર વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે તેમજ બાળકો સંઘપ્રદેશ સ્તરે તેમજ રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા દાખવી શકે તે માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે.
પ્રાપ્ત માહિતી મુજબ દાદરા નગર હવેલી પ્રાથમિક શિક્ષણ વિભાગ અંતર્ગત પ્રાથમિક મરાઠી શાળા કૌંચા ચીખલીપાડાના 16 જેટલા બાળકોની ટીમ જિલ્લા સ્તરે તેમજ સંઘ પ્રદેશસ્તરે આયોજીત સ્પર્ધાઓમાં વિજેતા થયેલ છે. તેઓ આગામી તારીખ 01/10/2023 થી તારીખ 05/10/2023 સુધી બેંગલોરના એરફોર્સ સ્ટેશનજબાહાલી ખાતે રાષ્ટ્રીય સ્તરે આયોજિત થનારી ફૂટબૉલ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા છે. જેઓ આજે રવાના થયા હતા.
બેંગલોર ખાતે રાષ્ટ્રીય સ્તરે યોજાનારા 62મા સુબ્રોતો ફૂટબોલ ટુર્નામેન્ટ દાનહની ટીમ ગ્રુપ-બી છે અને તે 1લી ઓક્ટોબરે પヘમિ બંગાળની ટીમ સાથે રમીને અભિયાનની શરૂઆત કરશે. ત્યારે 2જી ઓક્ટોબરે મિઝોરમ, 4થી ઓક્ટોબરે છત્તીસગઢ, અને 5મી ઓક્ટોબરે આર્મી પબ્લિક સ્કૂલ સાથે ટકરાશે.
દાનહી ટીમ રાષ્ટ્રીય સ્તરે આયોજીત સ્પર્ધામાં ભાગ લેવા માટે દાનહ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી અપૂર્વ શર્માની રાહબરી હેઠળ શાળા પરિવાર તેમજ પ્રાથમિક શિક્ષણ વિભાગનું વિશેષ માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન મળેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયત દાદરા નગર હવેલીના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી અપૂર્વ શર્મા દ્વારા સદર બાળકોને રાષ્ટ્રીય સ્તરે આયોજિત સ્પર્ધામાં ભાગ લેવા માટે તેમના કોચિંગ માટે વ્યક્તિગત રુપથી વિશેષ વ્યવસ્થા કરવામાં આવેલ હતી જેનાથી બાળકોમાં આત્મવિશ્વાસ અને ખેલ ભાવનાના ગુણોનો વિકાસ થાય.