સ્થાનિક નેતાઓ સફાઈ કર્મચારીઓનો વેશ ધારણ કરી વેશભૂષા ભજવવા કરતા ખરેખરગંદકીને દૂર કરવા યોગ્ય કામગીરી કરવી જોઈએ એવી પ્રજામાં માંગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.01: ઉમરગામ પાલિકા હદ વિસ્તારમાં ખાસ કરીને ગાંધીવાડી અને પરપ્રાંતીય વસાહતમાં બેફામ ગંદકી જોવા મળે છે. આ સમસ્યા લાંબા સમયથી ચાલી આવે છે અને જેના નિરાકરણ માટે જવાબદાર વિભાગ અને પાલિકા તંત્રનું વારંવાર ધ્યાન દોરવામાં આવ્યું છે.
આજરોજ ઉમરગામ તાલુકાના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર અને ઉમરગામ પાલિકાના નવ નિયુક્ત પ્રમુખશ્રી મનીષભાઈ રાયની આગેવાની હેઠળ પાલિકાના સભ્યો અને સ્થાનિક આગેવાનોએ સફાઈ અભિયાનની કામગીરી ચાલુ કરી હતી. આ કામગીરી માત્ર ફોટોગ્રાફ પૂરતી સિમિત હતી અને બીજી તરફ ઉમરગામ પાલિકાના ઘણા વિસ્તારમાં ગંદકીનો અસહ્ય ત્રાસ ફેલાયેલો છે. હાલમાં ઉમરગામ પાલિકામાં પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહેલા શ્રી મનીષભાઈ રાયે હવે આ કામગીરી તરફ ખરેખર ધ્યાન આપવાની જરૂર છે. પ્રમુખશ્રી જે વોર્ડનુ પ્રતિનિધિત્વ કરે છે એ વોર્ડમાં મોટાભાગે પરપ્રાંતીઓનો વસવાટ છે અને ભંગારના ગોડાઉન કાર્યરત છે એ પણ ગેરકાયદેસર અને યેન કેન પ્રકારે બીજાની જમીનની માલિકી ઉપર કબજો કરેલાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત ઉમરગામ પાલિકામાં નિર્ધારિત કરેલી ડમ્પિંગ સાઇડ ઉપરકચરાનો નિકાલ કરવામાં આવે છે જેનું યોગ્ય રીતે સંચાલન ન કરતા અતિશય ગંદકી ફેલાયેલી છે. ડમ્પિંગ સાઈડ ઉપર પાલિકા વિસ્તારનો કચરો ઉપરાંત કેટલીક કંપનીઓ તેમજ સ્ટુડિયોના વિસ્તારનો પણ કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યાનું બહાર આવી રહ્યું છે. સફાઈ કામદારના ઠેકેદારો આ કામગીરી કરવા માટે આગેવાનો દ્વારા ફરજ પાડવામાં આવ્યું હોવાનું તેમજ સફાઈ કામદારોની ઠેકેદારી ચાલુ રાખવા માટે કોઈ એક આગેવાનની દર મહિને મુલાકાત કરવી પડતી હોવાની ચર્ચા જોવા મળી રહી છે.
આજની સ્થાનિક નેતાઓની સફાઈ અભિયાનની કામગીરી ખરેખર અસરકારક પરિણામમાં રૂપાંતરિત થાય એ માટે ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર અને નવનિયુક્ત પ્રમુખ શ્રી મનીષભાઈ રાયે ધ્યાન આપવાની જરૂર છે.