હંમેશા હકારાત્મક અભિગમ રાખી આગળ વધવા પ્રશાસકશ્રીએ પ્રતિનિધિ મંડળને આપેલું માર્ગદર્શન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.11 : દમણ જિલ્લા પંચાયતના સભ્યો અને સરપંચોએ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લઈ નવા વર્ષની શુભેચ્છા આપી હતી અને વૈશ્વિક સ્તર ઉપર લક્ષદ્વીપના થયેલા વિકાસ પ્રચાર અને પ્રસાર ઉપર અભિનંદન આપ્યા હતા.
દમણ જિલ્લા પંચાયતના સભ્યો અને સરપંચોના પ્રતિનિધિ મંડળે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો દાદરા નગર હવેલી અને દમણ-દીવની સાથે લક્ષદ્વીપના પણ કરેલા ઐતિહાસિક વિકાસ બદલ આભાર પ્રગટ કરવાની સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે કૃતજ્ઞતા પણ પ્રગટ કરી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દમણ જિલ્લા પંચાયત અને સરપંચોના પ્રતિનિધિ મંડળને હંમેશા હકારાત્મક અભિગમ રાખી આગળ વધવાનું માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પ્રતિનિધિ મંડળ સાથે ખુબ જ આત્મિયતાથી વાતચીત પણ કરી હતી અને પ્રતિનિધિ મંડળ પ્રશાસકશ્રીની મુલાકાતથી સ્વયંને ખુબ જ પ્રસન્ન અને આનંદિત પણ મહેસૂસ કર્યા હતા.