કારોબારી સહિત વિવિધ 10 સમિતિઓની કરવામાં આવેલી રચના અને પારદર્શક વહીવટ સાથે વિકાસને વેગ આપવા કરેલી ચર્ચા વિચારણા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.03: ઉમરગામ પાલિકાના પ્રમુખ શ્રી મનિષભાઈ રાયના અધ્યક્ષતા હેઠળ આજરોજ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભાના પ્રારંભમાં ભાજપ મોવડી મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલી વિવિધ સમિતિઓ અને એમના ચેરમેનોના નામનું મેન્ડેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત તમામ સભ્યોએ સંમતિ દર્શાવતા સભાની કામગીરી આગળ વધારવામાં આવી હતી. સભાનું સંચાલન કરી રહેલા પાલીકાના ચીફ ઓફિસર શ્રી એ.એચ. સિંહાએ પાલિકામાં ભૌગોલિક વિસ્તારને અનુરૂપ માળખાકીય સુવિધામાં વધારો કરવા માટે ચર્ચા વિચારણા કરી હતી. જેમાં રોડ, પીવાના પાણી, લાઈટ, ગાર્ડનિંગ વગેરેની કામગીરી માટે ઉપલબ્ધ સરકારી ગ્રાન્ટનો મહત્તમ ઉપયોગ કરવા ઉપસ્થિત સભ્યોનો અભિપ્રાય મેળવ્યો હતો. જેમાં સભ્યોને પોતપોતાના વોર્ડમાં સ્થળ નિરીક્ષણ કરી સુધારા વધારા માટે સૂચનો રજૂ કરવા જણાવ્યું હતું.
ઉમરગામ પાલિકામાં વહીવટમાં સરળતા અને વિકાસમાં પારદર્શકતા બની રહે એ માટે દસ સમિતિઓની રચના કરવામાં આવી હતી. જેમાં મહત્વની કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે શ્રી અંકુશભાઈ સુરેશભાઈ કામળી, મહેકમ સમિતિના ચેરમેન તરીકે શ્રી આદિત્યભાઈ સુધીરભાઈ કારુલકર, વીજળી સમિતિના ચેરમેનતરીકે શ્રીમતી દિપાલીબેન સંજયભાઈ ઠાકુર, ડ્રેનેજ સમિતિના ચેરમેન તરીકે શ્રી ચેતનભાઈ રવિન્દ્રભાઈ ધનુ, બાંધકામ સમિતિના ચેરમેન તરીકે શ્રીમતી વર્ષાબેન પ્રકાશભાઈ શૂરવે, આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે શ્રીમતી વર્ષાબેન દીપકભાઈ પટેલ, પાણી પુરવઠા સમિતિના ચેરમેન તરીકે શ્રીમતી ચંદ્રાવતી મહેન્દ્રભાઈ માછી, વેરા વસુલાત સમિતિના ચેરમેન તરીકે શ્રીમતી યજ્ઞિતાબેન જીગ્નેશભાઈ માછી, ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન તરીકે શ્રી ગૌરવભાઈ ચંપકભાઈ કોન્ટ્રાક્ટર અને સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે શ્રીમતી નયનાબેન પ્રવિણભાઈ દુબળાને જવાબદારી સોંપવામાં આવી હતી.