ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ દમણ જિલ્લામાં ચાલી રહેલા સદસ્યતા અભિયાનની સ્થળ ઉપર જઈ કરેલી સમીક્ષા અને કાર્યકરોને આપેલું માર્ગદર્શન
કચીગામ ખાતે પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ, નાની દમણ ટેક્ષી સ્ટેન્ડ ખાતે દમણ ન.પા. અધ્યક્ષ અસ્પી દમણિયા, દમણવાડા ગ્રા.પં.માં મુકેશ ગોસાવી તથા ખારીવાડ ખાતે જયંતિભાઈ પટેલના નેતૃત્વમાં આયોજીત કાર્યકર્તા શિબિરમાં ઉપસ્થિત રહી કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્યંતભાઈ પટેલ તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ દીપેશભાઈ ટંડેલે વધારેલો ઉત્સાહ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. 10 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા ચલાવવામાં આવી રહેલા સદસ્યતા અભિયાનની સમીક્ષા કરવા માટે આજે ગુજરાત પ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાત સરકારના વિવિધ મંત્રાલયોમાં કેબિનેટ મંત્રી રહેલા શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું આજે દમણ જિલ્લામાં આગમન થયું હતું.
ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના બે દિવસીય સંઘપ્રદેશના પ્રવાસ દરમિયાન પહેલા દિવસે તેમણે દમણ જિલ્લામાં આયોજીત વિવિધ સદસ્યતા અભિયાન શિબિર અનેકાર્યકર્તાઓની મુલાકાત કરી તેમનું ઉત્સાહવર્ધન કરી ઉપયોગી માર્ગદર્શન પુરું પાડયું હતું.
દમણ જિલ્લામાં 51 હજાર સભ્ય નોંધણી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હોવાની જાણકારી પણ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે આપી હતી. તેમણે ભાજપના સભ્ય શા માટે બનવું જોઈએ તે વિશે પણ વિસ્તારથી માર્ગદર્શન આપ્યું હતું અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વૈશ્વિક સ્તરે કરેલા પ્રભાવશાળી નેતૃત્વનો પણ પરિચય આપ્યો હતો.
ભાજપના વરિષ્ઠ નેતા શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ દમણ-દીવના થયેલા સર્વાંગી વિકાસની પણ નોંધ લીધી હતી અને આકસ્મિક રીતે ગુમાવેલી બેઠકના સંદર્ભમાં પણ મનનીય ચર્ચા-વિચારણાં કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજે લોકો પસ્તાઈ રહ્યા છે, પરંતુ ભવિષ્યમાં આ પ્રકારની ભૂલોનું પુનરાવર્તન નહીં થાય તેની કાળજી રાખવા પણ કાર્યકર્તાઓને તાકિદ કરી હતી અને વધુમાં વધુ સભ્ય નોંધણી કરવા માર્ગદર્શન આપ્યું હતું.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલે ખુબ જ વિસ્તારથી સભ્ય નોંધણી પ્રક્રિયાની સમજ આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશમાં સુશાસન અને રાષ્ટ્રની સુરક્ષા માટે ભાજપ સરકાર અનિવાર્ય છે. તેથી વધુમાં વધુ સંખ્યામાં ભાજપના સભ્યો બનાવવા કાર્યકરોને પ્રેરિત કર્યા હતા.
કચીગામ ખાતે પૂર્વ સાંસદશ્રી લાલુભાઈ પટેલના નેતૃત્વમાં આયોજીત કાર્યક્રમમાં ભાજપના ઊર્જાવાન મહિલા નેતા શ્રીમતી તરૂણાબેન પટેલે વ્યથિત હૃદયે પોતાનો આક્રોશ પણ પ્રગટ કર્યો હતો અને ‘‘જાગ્યા ત્યારથી સવાર” ગણી ફરી લોકોનો વિશ્વાસ સંપાદન કરવા રાત-દિવસ મહેનત કરવા આહ્વાન કર્યું હતું.
દમણ ટેક્ષી સ્ટેન્ડ ખાતે દમણ ન.પા. પ્રમુખ શ્રી અસ્પી દમણિયાની અધ્યક્ષતામાં સભ્ય નોંધણી કાર્યક્રમ યોજાયો હતો. ભાજપની મેમ્બરશિપ મેળવવા માટે લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ પણ જોવા મળ્યો હતો. સાંજે દમણવાડા ગ્રામ પંચાયતમાં સરપંચ શ્રી મુકેશ ગોસાવીની અધ્યક્ષતામાં સદસ્યતા અભિયાન શિબિરનું આયોજન કરાયું હતું અને ખારીવાડ ખાતે વરિષ્ઠ નેતા શ્રી જયંતિભાઈ પટેલના નેતૃત્વમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સંઘપ્રદેશ ભાજપ પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી મહેશભાઈ આગરિયા સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.