-
સંઘપ્રદેશની પ્રગતિ અને સમૃદ્ધિમાં ચાર ચાંદ લગાવનારા એરપોર્ટના નિર્માણ તથા દાનહ વાસોણાની આયુર્વેદિક હોસ્પિટલના પ્રોજેક્ટને સમયમર્યાદામાં પૂર્ણ કરી જરૂરી અડચણો દૂર કરવા આપેલા જરૂરી દિશા-નિર્દેશ
-
મોટી દમણ ખાતે નિર્માણાધિન પોલીસ ક્વાર્ટર અને સેલવાસમાં વેલનેસ સેન્ટરનું પણ કરેલું નિરીક્ષણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ/સેલવાસ, તા.08 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાના ઉચ્ચ અધિકારીઓની ટીમ સાથે રજાના દિવસ શનિ અને રવિવારે દમણ અને સેલવાસમાં કાર્યાન્વિત વિવિધ પ્રોજેક્ટોનું નિરીક્ષણ કરી જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શનિવારે નાની દમણ ખાતે નિર્માણ પામી રહેલા એરપોર્ટ અને મોટી દમણમાં કાર્યાન્વિત પોલીસ ક્વાર્ટરના પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું.
પ્રશાસકશ્રીએ દમણની પ્રગતિ અને સમૃદ્ધિમાં ચાર ચાંદ લગાવનારા એરપોર્ટના નિર્માણપ્રોજેક્ટને સમયમર્યાદામાં પૂર્ણ કરી જરૂરી અડચણો દૂર કરવા પણ દિશા-નિર્દેશો આપ્યા હતા. તેમણે મોટી દમણમાં કાર્યાન્વિત પોલીસ ક્વાર્ટરના નિર્માણના સંદર્ભમાં કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરોને પણ સમયમર્યાદામાં ગુણવત્તા સાથે પૂર્ણ કરવા તાકિદ કરી હતી.
દરમિયાન આજે રવિવારે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ઉચ્ચ અધિકારીઓની ટીમ સાથે દાદરા નગર હવેલી અને દમણ-દીવના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ દાનહના વાસોણા ખાતે નિર્માણાધીન આયુર્વેદિક હોસ્પિટલની સાઈટ અને વેલનેસ સેન્ટરની મુલાકાત કરી હતી. તેમણે આયુર્વેદિક હોસ્પિટલનું નિર્માણ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા કડક નિર્દેશ આપ્યો હતો. તેમણે હોસ્પિટલનું નિર્માણ કરનારી એજન્સી સાથે પણ વિચાર-વિમર્શ કર્યો હતો.
મુલાકાત દરમિયાન પ્રશાસકશ્રીની સાથે સલાહકાર શ્રી અમિત સિંગલા, સલાહકાર શ્રી ડી.એ.સત્યા, નાણાં સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવત, શ્રી દાનિશ અશરફ, કલેક્ટર શ્રી પ્રિયાંક કિશોર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.