(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દાંતી, તા.05: સંત નિરંકારી મિશન દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 18 પહાડી પ્રવાસન સ્થળો પર વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આશીર્વાદથી ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે નિરંકારીસેવાદાર ભક્તોએ સાપુતારામાં 100થી વધુ રોપાઓ વાવીને સ્વચ્છતાની સુવાસ ફેલાવી હતી. મિશનના યુવા સ્વયંસેવકોએ ‘બીટ પ્લાસ્ટિક પોલ્યુશન’ થીમ પર સુંદર શેરી નાટકો રજૂ કરીને લોકોને પર્યાવરણીય સંકટ વિશે જાગૃત કર્યા હતા. તમામ સ્વયંસેવકોએ પર્યાવરણ સંરક્ષણના સંદેશા સાથેના પ્લેકાર્ડ અને બેનરોનો ઉપયોગ કરીને માનવ સાંકળ પણ બનાવી હતી.
સંત નિરંકારી મિશન વર્ષ 2014થી યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામના પર્યાવરણીય કાર્યક્રમની થીમ પર ‘વિશ્વ પર્યાવરણ દિવસ’નું આયોજન કરતું આવ્યું છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ નિરંકારી મિશન દ્વારા સમગ્ર ભારતમાં 18 પહાડી પ્રવાસન સ્થળોએ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના સાપુતારાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અન્ય રાજ્યોમાં મહાબળેશ્વર, પંચગની, ખંડાલા, લોનાવાલા, પન્હાલા, ઉત્તરાખંડથી મસૂરી, ઋષિકેશ, લેન્સડાઉન, નૈનીતાલ, ચકરાતા, ભવાલી, હિમાચલ પ્રદેશના શિમલા, મનાલી, ધર્મશાલા, સિક્કિમના ગીઝિંગ ટાઉન અને કર્ણાટકના પહાડી વિસ્તારોનો સમાવેશ થાય છે.
સંત નિરંકારી મિશન દક્ષિણ ગુજરાતના પ્રભારી શ્રી ઓમકાર સિંહે જણાવ્યું હતું કે આજે જ્યારે પૃથ્વી ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહી છે ત્યારે વૃક્ષારોપણનું મહત્વ વધુ વધીગયું છે. વર્ષ 2020થી કોરોના સંકટે આપણા બધાને કુદરતની અમૂલ્ય ભેટ પ્રાણવાયુ એટલે કે ઓક્સિજનનું મહત્વ સમજાવ્યું છે, તેની ઉણપથી થતી તમામ આડઅસરથી પણ અમને સારી રીતે અવગત કર્યા છે. આપણે એ જાણવું જોઈએ કે માનવ જીવન જેના પર આધારિત છે તે પ્રાણવાયુ આ વૃક્ષોમાંથી જ પ્રાપ્ત થાય છે તેથી તેમનું રક્ષણ કરવું એ આપણી ફરજ જ નહીં પણ આપણા જીવન માટે પણ મહત્વપૂર્ણ છે.
વાપી સેક્ટરના સંયોજક શ્રી સુરેશભાઈ સોલંકીએ વૃક્ષારોપણ કરનાર તમામ સભ્યોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે પૃથ્વીને સુંદર બનાવવાનું આ એક પ્રશંસનીય અને સરાહનીય પગલું છે જેના અનુસરણથી પૃથ્વીને વધુ સ્વચ્છ-સુંદર અને નિર્મળ બનાવી શકાય છે.