(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.13 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે મોટી દમણમાં નિર્માણાધિન સચિવાલય સહિતના વિકાસ કામોનું ખુબ જ બારિકાઈથી નિરીક્ષણ કરી અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરોને જરૂરી દિશા-નિર્દેશ પણ આપ્યા હતા.
પ્રશાસકશ્રીએ નિર્માણાધિન સચિવાલય બાદ ફોર્ટ વિસ્તારમાં નિર્મિત રોડો તથા વિવિધ સૌંદર્ય પ્રકલ્પોનું પણ નિરીક્ષણ કર્યું હતું. રામસેતૂ બીચ ઉપર ચાલી રહેલા અનેક વિકાસ કામોના સ્થળની પણ મુલાકાત લીધી હતી. તેઓએ જમ્પોર ખાતે આકાર લઈ રહેલ આલીશાન બર્ડ સેંચુરી સાઈટની પણ મુલાકાત લીધીહતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાતનો દૌર લગભગ રાત્રિના 8:30 વાગ્યા સુધી ચાલ્યો હતો. તે દરમિયાન તેમણે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને નાની નાની ક્ષતિઓ તથા ઔર સુંદરતા વધારવાના પોતાના મૌલિક સૂચનો પણ કર્યા હતા.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના વિવિધ સ્થળોના નિરીક્ષણ દરમિયાન સલાહર શ્રી ડી.એ.સત્યા, નાણાં સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવત, જિલ્લા કલેક્ટર શ્રી સૌરભ મિશ્રા, જાહેર બાંધકામ વિભાગના સચિવ શ્રી અસકર અલી સહિત પ્રશાસનની ટીમ સાથે રહી હતી.