(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.16
દાદરા નગર હવેલી કલેક્ટરના દિશા-નિર્દેશ અનુસાર મહેસૂલ વિભાગ દ્વારા ખરડપાડા પંચાયત ખાતે તા.18મી ડિસેમ્બરના શનિવારે સવારે 10:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા દરમ્યાન એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વારસાઈ માટે અરજીઓ, વાર્ષિક આવકના દાખલા, જાતિ અને ડોમિસાઇલ, આધારકાર્ડ માટે અરજીઓ સ્વીકારવામાં આવશે. એની સાથે માપણી માટે નકશાની નકલ, સ્પષ્ટ નંબર માટે, ભાગલા કરવા માટે, એકત્રીકરણ કરવા માટે અરજીઓ સ્વીકારવામાં આવશે. ઉપરાંત લગ્નની નોંધણી, રેશનકાર્ડ માટેની અરજીઓ અને પશુ ખરીદી માટે ટર્મ લોનની અરજીઓ તથા વિધવા પેન્શન અંગેની અરજીઓ પણ સ્વીકારવામાં આવશે. આ દરેક માટેની અરજીઓ સવારે 10:00 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે. આ શિબિરમાં પીડબ્લ્યુડી વિભાગ અને વિદ્યુત વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. આ શિબિરમાં નરોલી પટેલાદના લોકો પણ લાભ લઈ શકશે.
ઉપરોક્ત સેવાઓમાં વિવાહ નોંધણીને આ શિબિરમાં લેવામાં આવી છે. કારણ કે, આદિવાસી વિસ્તારના કેટલાક લોકો લગ્ન કર્યા બાદ નોંધણી નહીં કરાવતા હોવાથી તેઓને ઘણી પરેશાનીઓનો સામનો કરવા પડે છે જેને ધ્યાનમાં રાખતાપંચાયતના લોકોને અનુરોધ છે કે આ સેવાનો વધુમાં વધુ લાભ લે.