ગુજરાતમાં સૌ પ્રથમ વાર વલસાડ જિલ્લા પંચાયત દ્વારા આ અનોખો પ્રોજેક્ટ કાર્યરત થશે
રિડિંગ, લર્નિંગ અને ટાઈપિંગ માટે રૂ. ૧૦ લાખના ખર્ચે બ્રેઈલ લીપી ઈલેક્ટ્રોનિક ડીવાઈસ તૈયાર કરાયુ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૨૦: રાજ્યના નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સમંત્રીશ્રી કનુભાઈ દેસાઈ દ્વારા તા.૨૧મી ઓક્ટોબર ૨૦૨૩ના રોજ ગુજરાતમાં સૌ પ્રથમ વાર વલસાડ હાલર પ્રાથમિક શાળામાં ભણતા દ્રષ્ટિહીન બાળકો માટે નવનિર્મિત સ્માર્ટ બ્રેઇલ સેલ્ફ લર્નિંગ લેબનું લોકાર્પણ કરાશે. જિલ્લા પંચાયત વલસાડના આ અનોખા પ્રોજેક્ટ અંતર્ગત નેશનલ એસોસીએશન ફોર ધી બ્લાઈંડ આશ્રમના ૩૦ દ્રષ્ટિહીન બાળકો કે જેઓ હાલમાં હાલર પ્રાથમિક શાળામાં નાનકવાડામાં રહી હાલર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. જેમને હાલમાં મેન્યુઅલી શિક્ષણ આપવામાં આવે છે. આ મેન્યુઅલી શિક્ષણથી બ્રેઈલ લીપી શીખતા બાળકોને એક વર્ષ જેટલો સમયગાળો થાય છે. જો આવા બાળકોને હાલના આધુનિક સમયમાં ઈલેક્ટ્રોનિક ડીવાઈસ દ્વારા શીખવવામાં આવે તો ઘણા ટુંકા સમયમાં બ્રેઈલ લીપી શીખી શકે છે. જે ધ્યાને લઇ જિલ્લા પંચાયત વલસાડની ગ્રાન્ટમાંથી અંદાજીત રૂ.૧0,૦૦,૦૦૦ સુધીનો ખર્ચ કરી ઉપરોક્ત શાળામાં બ્રેઈલ લીપી ઈલેક્ટ્રોનિક ડીવાઈસ (ANNIE – Smart Braille Literacy Device) – ૬ નંગ તથા જરૂરી ફર્નિચરની ખરીદી અને ક્લાસરૂમ અપગ્રેડેશન કરી અદ્યતન સ્માર્ટ બ્રેઇલ સેલ્ફ લર્નિંગ લેબ તૈયાર કરવામાં આવી છે.
આ પ્રોજેક્ટ અંગે વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીએ રૂબરૂમાં વધુ વિગતો આપતા જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયે પણ આ પ્રોજેક્ટની નોંધ લીધી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ANNIE – Smart Braille Literacy Deviceના ઉપયોગથી સિમ્પલ બ્રેઇલ રિડિંગ, લર્નિંગ અને ટાઈપિંગ કરી શકાશે. આ ડિવાઈસના માધ્યમથી બાળકો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં શીખી શકે છે. માતા-પિતા અને શિક્ષકોને વિશેષ જરૂરિયાતો ધરાવતા બાળકની સમજ પૂરી પાડવા માટે સજ્જ કરે છે. આ એક ઇઝી ટુ લર્ન ડીવાઈઝ છે, તેને ગમે ત્યાં સરળતાથી કનેક્ટ કરી શકાય છે અને તે બેટરીથી પણ સંચાલિત છે. સ્પેશ્યલ બાળકોના અધ્યયન નિષ્પતિ(Learning Outcomes)માં આ ડીવાઈસના માધ્યમથી સુધારો કરી શકાય છે. મૈત્રીપૂર્ણ માનવ અવાજ વિદ્યાર્થીઓને તેમની સ્થાનિક ભાષામાં માર્ગદર્શન આપે છે, આમ શિક્ષણને વધુ કાર્યક્ષમ બનાવે છે. ભૂલો માટે ત્વરિત પ્રતિસાદ આપે છે અને વપરાશકર્તાનું સતત મૂલ્યાંકન કરે છે. અભ્યાસક્રમ નિષ્ણાતો દ્વારા રચાયેલ ઇન્ટરેક્ટિવ પ્રીમિયમ કન્ટેન્ટ (Interactive premium content) છે.
જિલ્લા પંચાયત, વલસાડને વિશ્વાસ છે કે આ ANNIE – Smart Braille Literacy Device યુક્ત સ્માર્ટ બ્રેઇલ સેલ્ફ લર્નિંગ લેબ(Smart Braille Self-Learning Lab) દ્વારા દ્રષ્ટિહીન બાળકો ઘણા ટૂંક સમયમાં બ્રેઇલ લીપી શીખી શકશે તથા તેઓના શિક્ષણ સ્તરમાં સુધારો થશે અને તેઓને ખુબ જ ઉપયોગી નીવડશે.