નિર્મલભાઈ દુધાનીએ ચૂંટાયેલા સભ્યોની સ્વાગત વિધિ અને ઓફિસ બેરરની રચના માટે તાત્કાલિક સામાન્ય સભા બોલાવી જેમાં ઉપપ્રમુખ કમલેશભાઈ વસવાણી, સેક્રેટરી કૌશિકભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી આનંદભાઈ પટેલ અને ટ્રેઝરર તરીકે દામોદરભાઈ પારેખની કરેલી વરણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.01: એસઆઈએમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ વચ્ચે આજરોજ નાણાકીય વર્ષના પ્રથમ દિવસથી પ્રમુખશ્રી નિર્મલભાઈ દુધાનીએ વિધિવત ચાર્જ સંભાળી કામગીરી ચાલુ કરી દીધી છે. ચાર્જ સંભાળતા વેત પ્રમુખશ્રી નિર્મલભાઈ દુધાનીએ એમના અધ્યક્ષતા હેઠળ ચૂંટાયેલા સભ્યોની સ્વાગત વિધિ અને ઓફિસ બેરરની રચના માટેએક્ઝિકયુટિવ કમિટીની સામાન્ય સભા બોલાવી હતી. જેમાં ઉપપ્રમુખ તરીકે શ્રી કમલેશભાઈ વસવાણી, સેક્રેટરી તરીકે શ્રી કૌશિકભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી તરીકે શ્રી આનંદભાઈ પટેલ અને ટ્રેઝરર તરીકે શ્રી દામોદરભાઈ પારેખની સર્વ સંમતિથી વરણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રમુખશ્રી નિર્મલભાઈ દુધાનીએ જણાવ્યું હતું કે, અગ્રણીશ્રી શિરીષભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ પૂર્વ પ્રમુખો પાસેથી સહયોગ મેળવી તેમજ ઓફિસ બેરર અને એક્ઝિકયુટિવ કમિટી સાથે એક મંચ પર રહી ઈન્ડસ્ટ્રીઝના હિતમાં નિર્ણય લઈ વિકાસને વેગ આપવામાં આવશે. આ પ્રસંગે અગ્રણી શ્રી શિરીષભાઈ દેસાઈએ જવાબદારી સંભાળી રહેલા પ્રમુખ તેમજ ઓફિસ બેરર તરીકે વરણી થયેલા હોદ્દેદારો અને એક્ઝિકયુટિવ કમિટીને અભિનંદન પાઠવી તમામ સ્તરે સહાય કરવાની બાહેંધરી આપી હતી.
એસઆઈએ માટે આજનો દિવસ મહત્વનો સાબિત થવા પામ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી અગ્રણી ઉદ્યોગપતિઓમાં ખેંચતાણની સ્થિતિ જોવા મળી રહી હતી. નિયમ વિરુદ્ધ ચૂંટણી પ્રક્રિયાના લાગી રહેલા આરોપ વચ્ચે પ્રમુખ તરીકેનો ચાર્જ સોંપવામાં આવશે કે નહીં એની ચાલતી અટકળનો અંત આવી જવા પામ્યો છે. વધુમાં આજરોજ એસઆઈએમાં મહત્વનું સ્થાન ધરાવતા અગ્રણી ઉદ્યોગપતિ શ્રી સજ્જનભાઈ મુરારકાનાજન્મદિવસ હોવાના કારણે પ્રમુખ શ્રી નિર્મલભાઈ દુધાની અને ઉપસ્થિત એક્ઝિકયુટિવ કમિટી સહિત ઉદ્યોગપતિઓની ખુશી બેવડાઈ જવા પામી હતી. જન્મ દિવસના ઉજવણીના પ્રસંગે સર્જાયેલા આનંદના મહોલ વચ્ચે કેક કાપી ઉપસ્થિત તમામ ઉદ્યોગપતિઓએ શ્રીસજ્જનભાઈ મુરારકાના સારા ભવિષ્ય, સારુ સ્વાસ્થય તેમજ ઉત્તરોતરની પ્રગતિની શુભકામના પાઠવી હતી.