વન વિભાગ દ્વારા દીપડાને જૂનાગઢ પ્રાણી સંગ્રહાલયમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.30: ચીખલીના ફડવેલ ગામના ગામતળ વિસ્તારમાં રાત્રિ દરમિયાન શિવાંગભાઈ શૈલેષભાઈ મહેતાની વાડીમાં ગોઠવવામાં આવેલ પાંજરામાં આશરે પાંચેક વર્ષની ઉંમરનો દીપડો પાંજરે પુરાયો હતો. આ અંગેની જાણ સરપંચ પતિ હરીશભાઈ તાલુકા સભ્ય મહેશભાઈ વિગેરે કરતા આરએફઓ આકાશભાઈ પડશાળાના માર્ગદર્શન હેઠળ વન વિભાગના સ્ટાફે આ દિપડાનો કબજો લઈ પશુ ચિકિત્સક પાસે તબીબી તપાસ કરાવી જુનાગઢસક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી.
ફડવેલમાં 18 ઓક્ટોબરની રાત્રીએ નાગજી ફળિયાના મુખ્ય માર્ગ પરથી મોટરસાયકલ પર ઘરે જઈ રહેલા વીજ કંપનીના કર્મચારી સામે દીપડો આવી ચડ્યો હતો. જેના થોડા દિવસ બાદ આંબાબારી ફળિયામાં ઘરના આંગણામાંથી એક પાળેલા કૂતરાને દિપડો ઉચકી ગયો હતો. જોકે આ બનાવો બાદ દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોને કંઈક અંશે રાહત થવા પામી હતી.
તાલુકાના સાદકપોર ગામે ફડવેલ પૂર્વે 15 ઓક્ટોબરની રાત્રીએ દીપડાએ 24 વર્ષે યુવતી અને વાછરડાનો શિકાર કર્યા બાદ પશુઓ પર હુંમલાના બીજા બનાવો પણ સામે આવ્યા છે. અને અવાર નવાર સાદકપોર તથા આજુબાજુના ગામમાં દીપડા જોવા મળી રહ્યા છે. અને તાલુકામાં દસ પૈકી છ જેટલા પાંજરા એકલા સાદકપોરમાં જ ગોઠવવામાં આવેલા છે. પરંતુ ત્યાં એક પણ દીપડો પાંજરે પુરાયો નથી.