છેલ્લા પાંચ વર્ષથી વડીલોનું સન્માન કરી આશિર્વાદ લેવાની પરંપરા ચાલી રહી છે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.09: ચીખલી તાલુકાના સિયાદા ગામે સિયાદા યુવક મંડળ દ્વારા પાટીદાર મહોલ્લામાં છેલ્લા 40 વર્ષથી શ્રી ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને તેમાં છેલ્લા પાંચેક વર્ષથી ફળિયાના વડીલોનું સન્માન પણ કરવામાં આવી રહ્યું છે. હાલે સાંસ્કળતિક કાર્યક્રમની ભરમાર સાથે યોજાયેલાકાર્યક્રમની શરૂઆતમાં બેન્ડવાજા સાથે વડીલોનું મંડપમાં આગમન કરાવી ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, કાવેરી સુગરના ચેરમેન શ્રી આનંદભાઈ દેસાઈ, પાટીદાર સમાજ મંડળના ટ્રસ્ટી શ્રી હર્ષદભાઈ તીધરા, શ્રી જયંતીભાઈ ચીખલી, શ્રી અનિલભાઈ વાઘછીપા, ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ ઠક્કરવાડ, સિયાદાના શ્રી હર્ષદભાઈ સહિતની ઉપસ્થિતિમાં 30 જેટલા પુરુષો અને 29 જેટલી મહિલાઓ મળી કુલ 59 જેટલા વડીલોનું યુવાનો દ્વારા સન્માન કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા.
આ પ્રસંગે મહાનુભવો એ જણાવ્યું હતું કે શ્રી ગણેશ મહોત્સવમાં આ રીતે વડીલોનું સન્માન કરી વડીલોના આશીર્વાદ મેળવી તેમનું ઋણ ચૂકવવાનો અવસર ખરેખર અનેરો છે અને સમાજમાં એક નવી રાહ ચિંધનારો કાર્યક્રમ છે. સમાજના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલે પણ વિદેશથી શુભેચ્છા સંદેશ મોકલવામાં આવતા તેનું વાંચન પણ કરાયું હતું. કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે પણ વડીલોના સન્માન માટે આયોજકોને બિરદાવી જીવનમાં વડીલોનું શું યોગદાન હોય તેના પર પ્રકાશ પાડ્યો હતો. સ્થાનિક એપીએમસીના ચેરમેન શ્રી કિશોરભાઈ પટેલ, ભાજપના પ્રભારી શ્રી રણજીતભાઈ ચીમના, કરંજ વિધાનસભાના ભાજપના પ્રભારી શ્રી ભરતભાઈ ખાંભડા સહિતનાઉપસ્થિત રહ્યા હતા. શ્રી હર્ષદભાઈના માર્ગદર્શન વચ્ચે શ્રી ફેનિલ પટેલ, શ્રી સ્નેહલ પટેલ, શ્રી હિતેશભાઈ સહિતનાઓએ સંચાલન કર્યું હતું.