છેલ્લા 15 દિવસથી નાની ખાડીમાં આ રીતે કોઈ ઈસમો
દ્વારા મૃત મરઘાઓ ફેંકી જવામાં આવી રહ્યા છે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.03: ચીખલી તાલુકાના દોણજા ગામમાંથી પસાર થતી નાની ખાડીના પાણીમાં છેલ્લા પંદરેક દિવસથી કોઈક પોલટ્રી ફાર્મના મલિક દ્વારા મૃત મરઘાઓ ફેંકવામાં આવી રહ્યા છે. રવિવારના રોજ આશરે 100-જેટલા મૃત મરઘાઓ નાની ખાડીમાં ફેંકી દેવાતા પાણીના પ્રવાહમાં મૃત મરઘા તણાતા જોવા મળ્યા હતા.
આ નાની ખાડી કાવેરી નદીને મળે છે. અને મૃત મરઘાઓના કારણે ગંદકી ફેલાતા પાણી દૂષિત થતા સ્થાનિકોમાં રોષ ફેલાવા પામ્યો છે.અને આ રીતે મૃત મરઘાઓ ફેંકી જનારાઓ સામે કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે.
વધુમાં દોણજા હાલે શેરડી કાપવા આવેલ 500-જેટલા શ્રમિકો વસવાટ કરે છે. અને તેઓ આ પાણીનો ઉપયોગ કરતા હોય રોગચાળો ફેલાવાની શકયતા પણ નકારી શકાય તેમ નથી. આ ઉપરાંત સ્થાનિકો દ્વારા પણ ખેતીવાડીમાં પશુઓ માટે પાણીનો ઉપયોગ કરતા હોય છે. નાની ખાડીનું પાણી મૃત મરઘાઓના કારણે દૂષિત થવાથી જળચર જીવસૃષ્ટિને પણ નુકશાન થઈ શકે તેમ છે.
ઉપરોક્ત સંજોગોમાં આ રીતે જાહેરમાં નાની ખાડીના પાણીમાં મૃત મરઘાઓ નાંખી જનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આજે સ્થળ પર લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા.
સ્થાનિક રહેવાસી આકાશભાઈના જણાવ્યાનુસાર દોણજા નાની ખાડીમાં છેલ્લા પંદરેક દિવસથી પોલટ્રી ફાર્મના મૃત મરધાઓ કોઈક દ્વારા ફેંકી જવામાં આવી રહ્યા છે. આજે અંદાજે 100-જેટલા મૃત મરધાઓ ફેંકી જવાતા નદી પાણી દૂષિત થવા સાથે ગંદકી ફેલાવા પામી છે.