ડેંગ્યુના કેસો વધતા તંત્રએ સર્વેની કામગીરી હાથ ધરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.05: ચોમાસા દરમિયાન ભરાતા પાણીથી ડેંગ્યુ મચ્છરોનું બ્રિડિંગ વધી જાય છે તેથી ડેંગ્યુના કેસો જિલ્લાભરમાં નોંધાઈ રહ્યા છે. વલસાડમાં આજે ડેંગ્યુની બિમારી માટે હોસ્પિટલમાંદાખલ થયેલ વિદ્યાર્થીની યુવતિનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોક છવાઈ જવા પામ્યો હતો.
વલસાડ કૃણાલ હોસ્પિટલમાં ડેંગ્યુ બિમારી થતા અબ્રામાની યુવતિ સારવાર માટે દાખલ થઈ હતી. પરંતુ સારવાર દરમિયાન યુવતિએ દમ તોડી દેતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. બીજી તરફ આરોગ્ય વિભાગે તાબડતોબ ડેંગ્યુને સર્વે તથા જરૂરી પગલા ભરવાની કામગીરી શરૂ કરી દીધી હતી. જિલ્લામાં ડેંગ્યુના કેસ વધી રહ્યા છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન ડેંગ્યુના મચ્છરો ભરાતા પાણીમાં વધારે બ્રિડિંગ કરે છે. તેથી ડેંગ્યુની બિમારીના કેસો વધી રહ્યા છે. વહિવટી તંત્રએ ગંભીરતાની નોંધ લઈ ઝડપથી સર્વે સહિતની કામગીરી હાથ ધરી હતી.