(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.03: શ્રી ધોડિયા સમાજ જીવનસાથી પસંદગી મંચના ઉપક્રમે તા.2 અને 3 ડિસેમ્બર, 2023ને શનિ અને રવિવારના રોજ શ્રીમતી શાંતાબા નારણદાસ પટેલ સમાજભવન, સુરખાઈ ખાતે ધોડિયા સમાજના લગ્નોત્સુકો માટે પાંચમા જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પસંદગી મેળામાં તા.2/12/2023ના રોજ સમાજના વિધવા-વિધુર અને છૂટાછેડા થયેલ હોય તેવા ઉમેદવારો માટે તથા તા.3/12/2023ના રોજ અપરિણિત ઉમેદવારો માટે પસંદગી મેળો યોજવામાં આવ્યો હતો. જેમાં તા.2/12/2023ના રોજ 50 જેટલા ઉમેદવારો તથા તા.3/12/2023ના રોજ લગભગ 100 જેટલા લગ્નોત્સુક ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. આ પસંદગી મેળામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોનો ખૂબ સારો પ્રતિભાવ મળ્યો હતો. ખાસ કરીને કોરોના મહામારી પછી સમાજની દીકરીઓ વિધવા થતાં વિધવા વિધુર અને છૂટાછેડા થયેલા ઉમેદવારો માટે અલગથી પસંદગી મેળો યોજવાનો વિચાર આયોજકોને ઉદભવ્યો હતો, જેને ખૂબસારો પ્રતિસાદ મળ્યો હતો.
આજના પસંદગી મેળામાં ડો.પ્રદીપભાઈ ગરાસિયા, પ્રમુખશ્રી, સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજય, શ્રી મુકેશભાઈ મહેતા, મંત્રીશ્રી, દિશા ફાઉન્ડેશન, વસરાઈ, વગેરે સમાજના આગેવાનો દ્વારા દીપ પ્રગટાવીને કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શ્રી ધોડિયા સમાજ જીવનસાથી પસંદગી મંચના પ્રમુખશ્રી અશોકભાઈ દ્વારા પસંદગી મંચના આયોજન માટેના કારણો સાથેની જરૂરિયાત સમજાવી અને ઉપસ્થિત યુવકો અને યુવતીઓને જીવનસાથી પસંદગી માટે જરૂરિયાત જણાય ત્યાં બાંધછોડ કરીને પણ સંસાર વસાવવા માટે અનુરોધ કર્યો હતો.
આ પસંદગી મેળાના આયોજકો એવા શ્રી ધોડિયા સમાજ જીવનસાથી પસંદગી મંચના હોદ્દદારો તથા સક્રિય સભ્યો દ્વારા તન-મનથી આયોજનને સફળતા અપાવવા માટે ભગીરથ કાર્ય પૂર્ણ કર્યું હતું. જેનો શ્રેય પસંદગી મંચના તમામ હોદ્દેદારો તથા ઉપસ્થિત ઉમેદવારોને જાય છે. શ્રી ધોડિયા સમાજ જીવનસાથી પસંદગી મંચ શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળનો સમાજ ભવનની સુવિધાઓ પુરી પાડવા બદલ આભારી છે.