પ્રાથમિક તારણ : ટ્રકમાં ડ્રાઈવર-ક્લિનર રસોઈ બનાવતા હતા ત્યારે બાટલો બ્લાસ્ટ થતા આગ લાગી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: વાપી જીઆઈડીસી સેકન્ડ ફેઈઝ જલારામ આઈસ કંપની સામે આજે ગુરૂવારે બપોરે પાર્ક કરેલી ટ્રકમાં અચાનક આગ લાગી હતી. આગને લઈને આજુબાજુના વિસ્તારમાં અફરા તફરી મચી જવા પામી હતી.
ટ્રક ડ્રાઈવર-ક્લિનરોની જીંદગી એમની ટ્રક જ હોય છે. રોડ ઉપર જીવાતી જીંદગી અતિ કષ્ટદાયક હોય છે. રોજબરોજ હાઈવેની હોટલોમાં ખાવાનું ટ્રક ડ્રાઈવરોને અનુકુળ આવતું નથી તેથી મોટાભાગના ટ્રક ચાલકો તેમની પાસે રસોઈનો સામાન ટ્રકમાં રાખતા હોય છે. જ્યારે સમય મળે ત્યારે ટ્રક પાર્ક કરી જાતે રસોઈ કરી લેતા હોય છે. આજે કંઈક તેવી જ ઘટના જીઆઈડીસી વાપી સેકન્ડ ફેઝમાં પ્રકાશમાં આવી હતી. જલારામ આઈસ પાસે ટ્રક પાર્ક કરીને ડ્રાઈવર-ક્લિનર ટ્રકમાં રસોઈ કરી રહ્યા હતા ત્યારે અચાનક ગેસ બાટલાનો બ્લાસ્ટ થતા ટ્રકમાં આગ પકડી લીધી હતી. જો કે ડ્રાઈવર-ક્લિનર સલામત રીતે બહાર નિકળી ગયા હતા. પરંતુ ટ્રકનું કેબીન સળગી ગયું હતું. આગની જાણ બાદ વાપી નોટિફાઈડ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી જઈને આગ બુઝાવી દીધી હતી.