આરોપી ટેમ્પો ચાલક પારડી ઉમરસાડીના સમીર કિશોરભાઈની ધરપકડ : ટેમ્પો સાથે રૂા.5.16 લાખનો મુદ્દામાલ જપ્ત
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.14: વાપી નવા રેલવે ગરનાળા સામે બુધવારે સાંજના દમણ ડાભેલ તરફથી આવી રહેલ દારૂનો જથ્થો ભરેલ ટેમ્પો એસ.ઓ.જી.એ ઝડપી પાડી ટેમ્પો ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
દમણથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાની બુટલેગરોની હીલચાલ ક્યારેય અટકી નથી. જિલ્લામાં ઓછામાં ઓછો રોજ બે થી ત્રણ સ્થળોએ દારૂનો જથ્થો ભરેલા વાહનો ઝડપાય છે. બુધવારે સાંજે નવા રેલવે ગરનાળા પાસે એસઓજીને મળેલ બાતમી આધારે ડાભેલથી આવી રહેલ અશોક લેલેન્ડ ટમ્પો નં.ડીડી 03 પીપી 9570માં પોલીસે દારૂનો જથ્થો ઝડપ્યો હતો. ટેમ્પામાં કુલ 756 બોટલ દારૂ મળી આવ્યો હતો. ટેમ્પો તથા દારૂનો જથ્થો મળીને કુલ રૂા.5.16 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. આરોપી ટેમ્પો ચાલક ઉમરસાડી નવી નગરીના સમીર કિશોરભાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.