12 એક્ઝિક્યુટિવ કમિટિ માટે 24 ઉમેદવારોએ રજૂ કરેલી દાવેદારી પરંતુ શિરીષભાઈ દેસાઈ અને એમની ટીમ દ્વારા પ્રમુખ બાદ એક્ઝિક્યુટિવ કમિટિ પણ સમરસ જાહેર થાય એવા ચાલી રહેલા પ્રયાસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19: અગામી 9મી માર્ચના રોજ યોજાનારી એસઆઈએની ચૂંટણી માટે આજરોજ દાવેદારી પત્રક રજૂ કરવાના અંતિમ દિવસે પ્રમુખ માટે માત્ર શ્રી નિર્મલભાઈ દુધાનીએ દાવેદારી પત્રક રજૂ કરતા પ્રમુખનું ચિત્ર સ્પષ્ટ થઈ જવા પામ્યું છે. આવનારા બે વર્ષ માટે પ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી શ્રી નિર્મલભાઇ દુધાનીને સોંપવામાં આવીછે. જ્યારે 12 એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર માટે 24 ઉમેદવારોએ દાવેદારી પત્રક રજૂ કર્યા છે. જાહેર થયેલા કાર્યક્રમ મુજબ 21 ફેબ્રુઆરીના રોજ ઉમેદવારોના નામની યાદી જાહેર થશે અને 24 ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી પત્રક પરત ખેંચી શકવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે અને અંતિમ યાદી 26 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે. શ્રી શિરીષભાઈ દેસાઈ અને એમની ટીમ દ્વારા એક્ઝિક્યુટિવ કમિટી પણ ચૂંટણી વગર સમરસ જાહેર થાય એવા પ્રયાસ ચાલી રહ્યા છે.
આજરોજ શ્રી શિરીષભાઈ દેસાઈએ ચૂંટણીના સંદર્ભમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યના નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને એસઆઈએના અગ્રણી ઉદ્યોગપતિઓ તેમજ સરીગામ ઈન્ડસ્ટ્રીઝમાં એકમો ધરાવતા વાપી અને મુંબઈના ઉદ્યોગપતિઓનો ચૂંટણી પ્રક્રિયા સમરસ જાહેર કરવાના આગ્રહને અમલમાં મુકી પ્રમુખ તરીકે શ્રી નિર્મલભાઇ દુધાનીને દાવેદારી પત્રક રજૂ કરવા જણાવ્યું છે. આ વખતે પ્રમુખ તરીકે શ્રી નીર્મલભાઈ દુધાની અને શ્રી કૌશિકભાઈ પટેલ દાવેદારી પત્રક રજૂ કરવાના હતા. આ પરિસ્થિતિમાં અગ્રણી ઉદ્યોગપતિઓની મળેલી બેઠકમાં બંને દાવેદારોને સમજાવટ પછી લેવાયેલા નિર્ણય મુજબ શ્રી નિર્મલભાઇ દુધાનીને આગામી બે વર્ષ માટે અને એ પછીના (2026-27 અને 2027-28) બે વર્ષ માટેશ્રી કૌશિકભાઇ પટેલને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. વધુમાં હવે પછી એક્ઝિકયુટિવ કમિટી પણ સમરસ જાહેર થાય એવા પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.