(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23: દાદરા નગર હવેલીના દાદરા ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં આવેલી ગ્રોવર એન્ડ વીલ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાંલાયન્સ આઈ હોસ્પિટલ-વાપીના સહયોગથી નિઃશુલ્ક નેત્ર ચિકિત્સા અને ચશ્મા વિતરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ડૉ. પ્રતિક શાહ અને ડો. ચારુ ચૌહાણ તથા એમની સહયોગી ટીમે સેવા આપી હતી. તપાસ દરમિયાન લોકોમાં નેત્ર દોષ જોવા મળ્યો હતો તેઓની ચકાસણી કરવામાં આવી હતી અને જેને ચશ્માની જરૂરત હતી તેઓને ચશ્મા, જેઓને દવાની જરૂરત હતી તેઓને દવા આપવામાં આવી હતી. જ્યારે જેઓમાં મોતિયાબિંદ જોવા મળ્યું તેવા 16 જેટલા લોકોના મોતિયાનું ઓપરેશન લાયન્સ આઈ હોસ્પિટલ વાપીમાં કરવામાં આવશે.
આ શિબિરમાં 1013 જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં 700 ચશ્મા, 950 આઈ ડ્રોપ મફત આપવામાં આવ્યા હતા. આ અવસરે વાપી નગરપાલિકાના પ્રમુખ શ્રી પંકજભાઈ પટેલ, દાદરાના સરપંચ શ્રીમતી સુમિત્રાબેન પટેલ, શ્રી જયંતીભાઈ પટેલ, સિનિયર વાઇસ પ્રેસિડન્ટ શ્રી રાકેશ કુમાર સિંહ, ડૉ. પ્રતિક શાહ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.