(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.27 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને દમણ-દીવ ટેનિસ એસોસિએશન દ્વારા ત્રિ-દિવસીય થ્રીડી ઓપન ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલી અને દમણ-દીવ ટેનિસ એસોસિએશન દ્વારા સંઘપ્રદેશમાં થ્રીડી ઓપન ટેનિસ ટુર્નામેન્ટનું ત્રિ-દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજથી મોટી દમણ ખાતેના ફોર્ટ એરિયા સ્થિત ટેનિસ કોર્ટમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટ તા.27, 28 અને 29 ડિસેમ્બર એમ ત્રણ દિવસ સુધી ચાલશે. જેમાં સંઘપ્રદેશના ત્રણેય જિલ્લાના 30થી વધુ ટેનિસ ખેલાડીઓ ભાગ લેશે અને ટુર્નામેન્ટનું ટાઈટલ પોતાના નામે કરવા શાનદાર દેખાવ કરશે.
અત્રે યાદ રહે કે, વિશ્વ મહામારી કોરોના કાળ બાદ થ્રીડી ઓપન ટેનિસ ટુર્નામેન્ટનું આ બીજી સંસ્કરણ છે. આજની ઉદ્ઘાટન મેચ દરમિયાન એસોસિએશનના તમામ સભ્યો હાજર રહ્યા હતા અને તમામ ખેલાડીઓએ ટાઈટલ ઉપર પોતાનો કબ્જો કરવા માટે ઉત્સાહ બતાવ્યો હતો.