ત્રણ જેટલી મોટરો કબજે લઈ પાણીના પાંચ જેટલા કનેક્શન કાપ્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.28: તાલુકા મથક ચીખલીમાં પાણીની પાઈપલાઈનમાં મોટર નાખી ગેરકાયદેસર રીતે કેટલાક લોકો દ્વારા પાણી ખેંચવામાં આવતા ઘણા લોકોના ઘર સુધી પૂરતાદબાણથી પાણી ન મળતું હોવાની ફરિયાદ મળતા સરપંચ વિરલભાઈ પટેલ દ્વારા જાહેર નોટિસ અને સ્પીકર વાળી રીક્ષા ગામમાં ફેરવી આગામી દિવસોમાં એક ઝુંબેશ ચલાવવામાં આવશે. તેમાં પાઈપ લાઈનમાં મોટર નાખી પાણી ચોરાતું હોવાનું માલુમ પડશે તો મોટર કબજે લઈ કનેક્શન કાપી દંડનીય કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.
આ દરમિયાન સરપંચ વિરલભાઈના માર્ગદર્શન હેઠળ પાણી પુરવઠા અને ગ્રામ પંચાયતના 20 થી 25 જેટલા સ્ટાફ સાથે સઘન તપાસ હાથ ધરાતા ચીખલીના વાણીયાવાડ, માછીવાડ અને નારાયણ નગરમાંથી પાઈપલાઈનમાં નાખવામાં આવેલ ત્રણ જેટલી મોટરો કબ્જે કરી હતી અને પાણીના પાંચ જેટલા કનેક્શન પણ કાપી નાખવામાં આવતા પાણી ચોરતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
ચીખલીમાં લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે પાણીની ચોરી કરનારાઓ સામે ગ્રામ પંચાયતના કડક અભિગમને લોકો બિરદાવી રહ્યા છે. ચીખલીમાં સરપંચ પદે વિરલભાઈ ચાર્જ સાંભળ્યા બાદ વહીવટમાં અનેક ફેરફારો કરાતા તેનો સીધો લાભ લોકોને મળી રહ્યો છે.