વલસાડ પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને તિથલ બીચનો કાર્યક્રમ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો
વાપીમાં સાંસદ ડો. કે.સી.પટેલ અને નારગોલમાં ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.01: ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કળતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પ્રેરિત વલસાડ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા વર્ષ 2024ના નવા વર્ષે તા.1 જાન્યુઆરીના રોજ સામૂહિક ‘‘સૂર્ય નમસ્કાર”નું આયોજન કરવામાં આવ્યું હતું.
વલસાડના મોગરાવાડી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 650 લોકોએ ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં સામૂહિક સૂર્ય નમસ્કાર કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાની, જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલા, વલસાડ પ્રાંત અધિકારી આસ્થા સોલંકી અને જિલ્લા યુવા વિકાસઅધિકારી હિમાલી જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તિથલ બીચ ખાતે વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 109 લોકોએ સાથે સૂર્ય નમસ્કાર કર્યા હતા. આ બંને સ્થળે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી માટેના યોજાયેલા કાર્યક્રમોમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધણીની પ્રક્રિયામાં પ્રતિનિધિઓ નિર્મલ બારોટ અને શ્રેયા પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ સિવાય વાપીની આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે સાંસદશ્રી ડો.કે.સી.પટેલના અધ્યક્ષસ્થાને 103 લોકોએ અને ઉમરગામ તાલુકાના નારગોલ બીચ ખાતે ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરના અધ્યક્ષસ્થાને 260 લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કારના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જિલ્લામાં 1122 લોકોએ ભાગ લઈ નવા વર્ષની સવારનું સૂર્ય નમસ્કાર સાથે ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતું.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં યોગનો વ્યાપ વધે, લોકો યોગ કરતા થાય અને યોગ અંગેનો માહોલ ઉભો થાય અને લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી તા.01/01/2024ના રોજ મોઢેરા સૂર્ય મંદિર, મહેસાણા ખાતે વિજેતા સન્માનસમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે નવા વર્ષના પ્રથમ દિવસે સૂર્યના પ્રથમ કિરણ સાથે ભગવાન સૂર્ય નારાયણની ઉપાસના કરતાં અંદાજે 2500 લોકોની ઉપસ્થિતિમાં 11 સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના દરેક જિલ્લાઓ તેમજ મહાનગરપાલિકાઓ સહિત અન્ય પ્રતિષ્ઠિત જગ્યાઓ મળી કુલ 108 સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.