આંદોલન વધુ ચાલશે તો આગામી સમયે નાગરિક પુરવઠા ઉપર પણ અસર થવાની વકી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.02: કેન્દ્ર સરકાર દ્વારા હીટ એન્ડ રન ના કિસ્સામાં ટ્રક કે વાહન ચલાવતા ડ્રાઈવર 10 વર્ષની જેલ અને 7 લાખનો દંડની જોગવાઈ અંગેનો નવિન અમલ થનાર કાયદાના ઘેરા પ્રત્યાઘાતો દેશભરમાં પડી રહ્યા છે. વલસાડ જિલ્લામાં પણ ટ્રક ડ્રાઈવરો આંદોલન ચલાવી રહ્યા છે તેની સીધી આડ અસરની શરૂઆત થઈ ગઈ છે. જિલ્લાના અનેક પેટ્રોલ પમ્પ ઉપર પેટ્રોલની અછત ઉભી થઈ છે.
ડ્રાઈવરો માટે કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત બાદ નાસી જતા ડ્રાઈવરો માટે નવો કડક કાયદો લાવવાની તૈયારી કરી છે. તેનો ચારે તરફ વિરોધ શરૂ થઈ ગયો છે. ડ્રાઈવરો આંદોલન કરી રહ્યા છે. સોમવારે વાપીમાં પણ બે સ્થળોએ ડ્રાઈવરોએ દેખાવો-સુત્રોચ્ચાર કરી પુતળા બાળ્યા હતા. ડ્રાઈવર આંદોલનની સીધી આડ અસરની શરૂઆત થઈ ચૂકી છે. વલસાડ જિલ્લાના કેટલેક પેટ્રોલ પમ્પો ઉપર પેટ્રોલ પુરવઠો ખુટી પડયો છે. જેને લઈ વાહન ચાલકો પરત ફરી રહ્યા છે. ડ્રાઈવરોનું આ આંદોલન આગામી સમયે વધુ આગળ વધશે તો તેની સીધી અસર નાગરિક પુરવઠા ઉપર પડી શકે છે.શાકભાજી અને રાશનની ચિજવસ્તુઓ ખૂટી પડશે. બીજી તરફ મોંઘવારી-કાળો બજાર પણ થવાની વકી ઈન્કારી શકાય એમ નથી.