(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સમાં બીજા દિક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો શુભારંભ ઉપસ્થિત મહેમાનોના હસ્તે દિપ પ્રાગટય કરી કરવામાં આવ્યો હતો. બાદમાં લાયન્સ ક્લબ ઓફ સિલવાસા ચેરીટેબલ ટ્રસ્ટના વાઈસ ચેરમેન શ્રી અનંતરાવ નિકમે ડીગ્રી વિતરણ શિષ્ટાચારના નિયમાનુસારકોલેજનું શૈક્ષણિક પ્રતિવેદના વાંચી હતી. સેલવાસ નગર પાલિકા પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટીએ વિદ્યાર્થીઓને એમની ઉપલબ્ધિ પર શુભકામના આપી અને એને બદલતા સમય અનુરૂપ પોતાના કૌશલને વધુ સુદ્રઢ બનાવવા પ્રેરિત કર્યા હતા. કોલેજના અધ્યક્ષ શ્રી ફત્તેહસિંહ ચૌહાણે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની કામના કરતા અવગત કર્યા કે તેઓની આ નૈતિક જવાબદારી હોવી જોઈએ કે કોલેજમાંથી નીકળ્યા બાદ ચરિત્રવાન અને સારા નાગરિક બને. શિક્ષણ અને સાક્ષરતાના મૂળ અંતરને સમજાવતા વિદ્યાર્થીઓને પોતાના માતા-પિતા અને વડીલો સાથે સદૈવ શિષ્ટાચાર સાથે રહી એમનું આદર સન્માન કરવાની શીખ આપી હતી. એમણે એ વાતની પણ પુષ્ટિ કરી કે, સુરત બાદ પ્રદેશની આ પહેલી કોલેજ છે, જેમાં એનએસીની બી પ્લસ ગ્રેડિંગ પ્રાપ્ત થઈ છે. જેનો પૂરો શ્રેય કોલેજના આચાર્ય અને પ્રોફેસરોને આપ્યો હતો.
આ કાર્યક્રમમા સ્નાતક સત્ર 2019-20, 2020-21, 2021-22અને સ્નાતકોત્તર સત્ર 2021-22ના બીકોમ, બીએસસી, બીએમએસ અને એમકોમના વિદ્યાર્થીઓને ડીગ્રી અને ટોપર વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને હવેલી ફાઉન્ડેશન દ્વારા ટ્રોફી અને 2500 રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. આ અવસરે ડો.સતીનદર કૌર, લાયન્સ કલબ ઓફ સિલવાસાચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી ફત્તેહસિંહ ચૌહાણ, વાઈસ ચેરમેન શ્રી અનંતરાવ નિકમ, સેલવાસ પાલિકા પ્રમુખ શ્રીમતી રજનીબેન શેટ્ટી, સચિવ શ્રી કુલદીપ સિંહ મુંદરા, માજી પાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, ડો.છત્રસિંહ ચૌહાણ, હવેલી ફાઉન્ડેશનના સચિવ શ્રી અભિષેકસિંહ ચૌહાણ સહિત કોલેજના આચાર્ય, પ્રોફેસર સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.