કેન્દ્રના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલની પણ રહેનારી ઉપસ્થિતિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.02
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલથી અગામી તા.8મી મેથી મોટી દમણના લાઈટ હાઉસ નજીક ઈન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શ્રી પિયુષ ગોયલ પણ ઉપસ્થિત રહેશે.
અત્રે નોંધનીય છે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કાર્યરત ઉદ્યોગો દ્વારા માનવ જીવન માટે જરૂરીયાતની તમામ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. જે પૈકીની ઘણી ચીજવસ્તુઓની વિદેશની માર્કેટોમાં સીધી નિકાસ તથા દેશમાં તેમના ડિસ્ટ્રીબ્યુટરો મારફત વેચાણ થતું હોવાથી પ્રદેશના ગ્રાહકોને સ્થાનિક સ્તરે ઉત્પાદિત થતી ચીજવસ્તુઓ સીધી રીતે ખરીદવાની તક મળતી નથી. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે લગભગ 9 દિવસ સુધી ચાલનારા ઔદ્યોગિક પ્રદર્શન સહ વેચાણના એક્સપોમાં લગભગ 25 ટકા સુધીના ડિસ્કાઉન્ટ સાથે ગ્રાહકોને ચીજવસ્તુઓ મળે તેવીવ્યવસ્થા પોતાના પ્રશાસન મારફત કરાવી છે. જેનો સીધો લાભ દમણ-દીવ અને દાદરા નગર હવેલી સહિત આજુબાજુના રહેવાસીઓ તથા પ્રવાસીઓને પણ મળશે.